Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

વડોદરાની કેલા એસોસિએટ નામની પેડીના ભાગીદારે હિસાબમાં કરોડોના છબરડા કરતા છેતરપિંડીની ફરિયાદ દાખલ

વડોદરા: શહેરના તાંદલજા રોડ પરની સન્મોદ સોસાયટીમાં રહેતા સલીમ હમીદભાઇ મેમણે   તેમના ભાગીદાર નીતેશ મગનલાલ પટેલ (રહે.રોડવેઝ હાઇટ્સ, અક્ષર પેવેલિયન સામે, વાસણા-ભાયલી રોડ) વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમે બંનેએ વર્ષ-૨૦૦૮માં કેલા એસોસિએટ નામની ભાગીદારી પેઢી ઉભી કરી હતી. આ પેઢીના નામથી વડોદરા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં જમીન લે-વેચ તથા કન્સ્ટ્રક્શનનો ધંધો શરૃ કર્યો હતો. હું દુબઇ ખાતે મારા અન્ય ધંધા અર્થે રહેતો હોઇ તમામ વ્યવહારોની સત્તા નિતેશ પટેલને આપી હતી.

સલીમ મેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે   વર્ષ-૨૦૧૭માં અમારી પેઢીની રૃા.૧૧૨૫ કરોડની વેલ્યુએશન હતી. ભાગીદારી પેઢીના ૧૦ વર્ષ થતા મેં હિસાબોની માંગણી કરવા છતા નિતેશ પટેલ હિસાબો આપતો ન હતો. આ અંગે જાન્યુઆરી ૨૦૧૮માં વડોદરા શહેર પોલીસ કમિશનરને ફરિયાદ આપતા  જેપી રોડ પોલીસ દ્વારા તપાસ થઇ હતી. સલીમે કહ્યું હતું કે વર્ષ ૨૦૦૮થી ૨૦૧૫ સુધી ચેક તેમજ રોકડ અને અન્ય રૃપિયા આપીને કુલ રૃા.૪૦.૮૩ કરોડનું રોકાણ મેંકેલા એસોસિએટમાં કર્યુ હતું. આ રોકાણ અંગે ઉચ્ચક નફો આપવાનું પણ નક્કી થયું હતું.

તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે માત્ર અગાઉ અકોટાની જમીનમાંથી મારો હક્ક જતો કર્યો હતો પરંતુ નોટરી કરેલા લેખમાં ખોટું લખાણ કરી સુંદરપુરા તેમજ ધનિયાવી ગામની જમીનમાંથી પણ હક્ક જતો કર્યો હોવાનો ઉલ્લેખ હતો. મારી સાથે ઠગાઇ થઇ હોવાનું જણાયા બાદ સમાધાનના પ્રયાસો કર્યા હતા પરંતુ ત્યાર બાદ પણ પૈસા નિતેશે ચૂકવ્યા ન હતાં. ઉપરોક્ત વિગતો સાથેની ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:30 pm IST)