Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

વડોદરાના કાલુપુરા વિસ્તારમાં માસ્ક ન પહેરનાર પાસેથી દંડ માંગતા શખ્સે વિરોધ દાખવતા ગુનો દાખલ

વડોદરા:શહેરના કાલુપુરા વિસ્તારના ગોડાઉનમાં કામ કરતા કર્મચારીએ મોઢા ઉપર માસ્ક વ્યવસ્થિત ન પહેર્યું હોય પોલીસે કોવિડ-19 ગાઈડલાઈનના ઉલ્લંઘન બદલ રૂપિયા 1000નો દંડ ફટકારતા કર્મચારીએ દંડની ભરપાઈ કરવા પ્રતિકાર કરતા પોલીસે કર્મચારી તેના શેઠ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરના સીટી પોલીસ મથકના જવાનો કોવિડ-19 ગાઇડલાઈન સંદર્ભે ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન કાલુપુર રોડ પર આવેલ જલારામ એસેસરીઝ ના ગોડાઉનમાં કામ કરતો કર્મચારી મોઢા ઉપર માસ્ક રાખી મોઢું બરાબર ઢંકાઈ નહીં તેવી રીતે બેસ્યો હતો. જેથી પોલીસે પૂછતાછ કરતા ભાર્ગવ મનોજભાઇ પ્રજાપતિ (રહે- જુબેલીબાગ, વડોદરા) હોવાનું જણાવતા પોલીસે તેને માસ્ક વ્યવસ્થિત નહીં પહેરવા બદલ એક હજાર રૂપિયાના દંડની પાવતી આપતા તેણે દંડ નહીં ભરવા શોર મચાવ્યો હતો.

આ સમયે ભાર્ગવના શેઠ  મિતેશ હસમુખભાઈ શાહ (રહે- સ્વામિનારાયણ નગર, હરણી રોડ, વડોદરા) એ પણ પોલીસ સાથે જીભાજોડી કરી હતી અને તમે " પોલીસ 24 કલાક માસ્ક પહેરી રાખો છો, માસ નો દંડ નહીં ભરે" તેવું જણાવ્યું હતું. માથાકૂટ દરમિયાન જયેશ સંજયભાઈ મોરે (રહે- ચામુંડા નગર, આજવા રોડ, વડોદરા) એ આ તમામ બાબતનું તેના મોબાઇલ ફોનમાં વિડીયો શૂટિંગ કર્યું હતું.

(5:29 pm IST)