Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ડોકટરો પર વર્કલોડના મામલે ગુજરાત ૭મું : સરકારી ડોકટરને રોજ ૫૪ દર્દીને તપાસવા પડે છે

કેરળમાં પ્રતિ ડોકટર રોજ ૮૯ દર્દી OPDમાં આવે છે

અમદાવાદઃ કોરોના મહામારીના સમયમાં ડોકટર્સએ ચોક્કસપણે દિવસરાત જોયા વગર કામ કર્યે રાખ્યું છે પરંતુ આજે આપણે વાત ફકત મહામારી માટે નથી કરવાની તેની પહેલા પણ ગુજરાતમાં સરકારી હોસ્પિટલ્સની ઓપીડીની હાલત કંઈ વધુ સારી નહોતી. નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર(NHSRC)ના અહેવાલ મુજબ ગુજરાતમાં સરકારી હોસ્પિટલની ઓપીડીમાં દરેક ડોકટરે આખા દિવસમાં ૫૪ જેટલા દર્દીઓને તપાસવા અને સારવાર કરતી પડતી હતી. જોકે તમને જણાવી દઈએ કે આ આંકડો ભારતના અન્ય રાજયોની સરખામણીએ કંઈ વધુ નથી.

તાજેતરમાં NHSRC દ્વારા પબ્લિશ કરવામાં આવેલ અહેવાલ 'હ્યુમન રિસોર્સ ફોર હેલ્થ ઇન ડિસ્ટ્રિકટ પબ્લિક હેલ્થ સિસ્ટમ ઓફ ઇન્ડિયાઃ સ્ટેટવાઇઝ રિપોર્ટ ૨૦૨૦' મુજબ સામે આવેલા આંકડા કહે છે કે દેશમાં દર્દી અને ડોકટરની સંખ્યાની દ્રષ્ટીએ ગુજરાત સાતમું રાજય છે જયાં સૌથી ઓછા ડોકટર સામે વધુ દર્દીઓ છે. જયારે સૌથી વધુ દૈનિક સરેરાશ કેરળમાં છે જયાં સરકારી હોસ્પિટલોમાં પ્રતિ ડોકટર દરરોજ ૮૯ દર્દીઓ ઓપીડીમાં આવે છે.

આ રિપોર્ટ ૨૦૧૮-૧૯માં્ નાણાકીય વર્ષ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. અહેવાલમાં તબીબી ક્ષેત્રમાં ઉચ્ચ ખાલી જગ્યા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં નિષ્ણાતો માટે ૫૪ ટકા ખાલી જગ્યા (નિયમિત અને કરારી બંને પદોમાં), નર્સો માટે ૯ ટકા અને એએમ (સહાયક નર્સ મિડવાઇફ)માં ૨૭ ટકાનો સમાવેશ થાય છે.

બીજી તરફ, મંજૂર થયેલી જગ્યાઓ સામે ગુજરાતમાં ડેન્ટિસ્ટ્રીમાં ૩ ટકા, લેબમાં ૧૩ ટકા અને એમબીબીએસ/ મેડિકલ ઓફિસર સ્તરે ૧૫ ટકા વધારાના કર્મચારીઓ હતા. નિષ્ણાતોમાં ૨૨ ટકા નિયમિત પણે ભરતી કરવામાં આવતા હતા અને ૬ ટકા કોન્ટ્રાકટ પર હતા, જયારે પ્રયોગશાળાઓમાં ૩૩ ટકા કર્મચારીઓ કોન્ટ્રાકટ પર હતા. નર્સોમાં કોન્ટ્રાકટ પર કામ કરતા લોકોમાં ૧૨ ટકા હતા.

આશ્ચર્યની વાત એ છે કે એમબીબીએસ/એમઓની અછત શહેરી સ્તરે વધારે હતી. રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ૬૪૧ મંજૂર પદો સામે શહેરી જાહેર અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (યુપીએચસી અને યુએચસી)માં માત્ર ૧૮૮ કે ૨૯ ટકા જ ભરાયા હતા.

અહેવાલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જિલ્લા આરોગ્ય સેવા પ્રણાલીમાં દર ૧૦,૦૦૦ની વસ્તી દીઠ પાંચ જાહેર આરોગ્ય સંભાળ પ્રદાતાઓ (તબીબી અધિકારીઓ, નિષ્ણાતો, સ્ટાફ નર્સો અને એએનએમ)ના મંજૂર ગુણોત્ત્।ર સામે ગુજરાતમાં ચાર છે.

સરકારી ડોકટરોએ અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, ઓપીડીમાં દર્દીઓને મળવા, હાઉસ ટુ હાઉસ સર્વે, મેન કોમ્યુનિટી લેવલ મોબાઇલ હેલ્થ ચેકઅપ વાન અને તેમના એમએ અને આયુષ્માન ભારત કાર્ડ ધરાવતા દર્દીઓને મદદ કરવાથી તેમનો કાર્ય વિસ્તાર ઘણો વિસ્તૃત છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે,  કામ સરળતાથી આઠ કલાકની શિફ્ટ કરતા ઘણું આગળ વધી જાય છે.

જિલ્લાઓમાં મેડિકલ અધિકારીઓના સ્તરે એક મોટું કાર્યબળ એમબીબીએસના તાજા વિદ્યાર્થીઓ પર ચાલે છે. જયારે તેઓ આગળ વધવાનું નક્કી કરે છે, ત્યારે ખાલી જગ્યાઓ ઊભી થાય છે. કોવિડ-૧૯ જેવા સમયમાં તાલીમબદ્ઘ કાર્યબળ ટેકનોલોજી અને તબીબી માળખા જેટલું જ મહત્વપૂર્ણ છે, એમ એક વરિષ્ઠ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી (સીડીએમઓ)એ જણાવ્યું હતું.

(11:50 am IST)