Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

કાયદો-વ્યવસ્થા ખોરવાનારા સામે કાર્યવાહી થશે : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી

ખેડૂતોના બંધના એલાનને પગલે સરકાર એક્શનમાં : ખેડૂતોના નામે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આંદોલન કરી પોતાનું અસ્તિત્વ દેખાડવા માટે બંધમાં જોડાયાનો આક્ષેપ

ગાંધીનગર, તા.૭ : કૃષિ કાયદાને લઈને સરકાર અને ખેડુતો વચ્ચે ગતિરોધ યથાવત છે. આ દરમિયાન ખેડૂત નેતાઓએ ૮ ડિસેમ્બરે આખું ભારત બંધ નું એલાન આપ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં આખા ગુજરાતમાં કોંગી નેતાઓથી લઇ કાર્યકરોની અપીલ કરી છે કે, ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન અંજામ સુધી પહોંચાડવાનું છે.

દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે ૧૨મો દિવસ છે. ખેડૂત સંગઠનોએ આવતીકાલે ભારત બંધનું એલાન પણ કર્યું છે. ત્યારે આ મુદ્દાઓ પર ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી નિવેદન આપ્યું હતું. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે, ખરેખરમાં આ આંદોલનમાં ખેડૂતોનું માત્ર નામ છે બાકી રાજકીય રીતે સમગ્ર આંદોલન ચાલી રહ્યું છે. આવતીકાલે ગુજરાતમાં બધુ ચાલુ રહેશે, બંધના નામે કાયદો અને વ્યવસ્થા બગાડનાર સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આવતીકાલે ગુજરાત ચાલુ રહેશે, બંધમાં કાયદો તોડશે તો કાર્યવાહી થશે. આ દરમિયાન સીએમ રૂપાણીએ બંધને લઈ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ખેડૂતોના નામે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આંદોલન કરી રહ્યા છે. તેઓ પોતાનું અસ્તિત્વ દેખાડવા બંધમાં જોડાયા છે. રાજકીય પાર્ટીને આંદોલનમાં ન જોડવા ખેડૂતોએ કહ્યું હતું. કોંગ્રેસનું તો અસ્તિત્વ જ પુરુ થઈ ગયું છે. પ્રજા સાથેનો સંપર્ક કોંગ્રેસે ગુમાવ્યો છે કોંગ્રેસ ખેડૂતોને ભડકાવે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, મોદી સરકાર સામે દેખાડો કરવા માટે અને ખેડૂતોને ભડકાવવા માટે આ પ્રકારનું આંદોલન કરવામાં આવી રહ્યું છે. મોદી સરકારે સ્જીઁના આધારે ખરીદી કરી છે.

(8:59 pm IST)