Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

અમદાવાદના વહિવટદાર તરીકે એસીએસ રાજીવ ગુપ્તા તેમજ મ્યુનિ. કમિશનર મુકેશ કુમારના નામની ચર્ચા

અમદાવાદ કોર્પોરેશનની ૧૪મીએ મુદત પૂરી થશે : કોર્પોરેશનની ૧૪૨ બેઠક ધરાવતા ભાજપ અને ૫૦ બેઠક ધરાવતા કોંગ્રેસે ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી

અમદાવાદ, તા.૭ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. ૧૪ ડિસેમ્બરમાં અવધિ પૂર્ણ થતાં પહેલાં સરકાર વહીવટદારની નિમણૂક કરશે. જેમાં એસીએસ રાજીવ ગુપ્તા તેમજ મ્યુનિ. કમિશનર મુકેશ કુમારના નામ હાલ ચર્ચામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની સત્તા હાલમાં ભાજપ પાસે છે. વર્ષ ૨૦૧૫ના પરિણામો મુજબ બીજેપી પાસે ૧૪૨ અને કોંગ્રેસ પાસે ૫૦ સીટો રહેલી છે. ૪૬૬ ચોરોસ કી.મી.ના અમદાવાદમાં કોર્પોરેશનના કુલ ૪૮ વોર્ડ આવેલા છે અને જેમાં વોર્ડ દીઠ ૪ કોર્પોરેટરો છે. કુલ ૧૯૨ કોર્પોરેટરો અમદાવાદ શહેરમાં છે.

વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ શહેરમાં ૫૫ લાખ ૭૭ હજાર ૯૪૦ લોકો હતા. ૨૦૨૦ સુધીમાં આ આંકડો ૬૮ થી ૭૦ લાખ પહોચ્યો છે. આ વર્ષે પણ ભાજપ અને કોંગ્રેસે કોર્પોરેશનમા પોતાનો પક્ષ સત્તામાં આવે તે માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થાય તેવી અપેક્ષાએ બંને પક્ષ હાલ તૈયારીઓ કરી રહ્યા છે.

ભાજપનું માઇક્રો લેવલનું પ્લાનીંગ છે, કોરોના મહામારીમાં કરેલી સેવાઓ તેમનો મહત્વનો મુદ્દો હોઇ શકે છે, લોકોના કરેલા કામો તથા મુખ્યમંત્રીએ આપેલ પ્રોજેકટ જેના લીધે ૧૯૨ સીટો જીતીશુ તેવો આશાવાદ એક કોર્પોરેટરે વ્યક્ત કર્યો છે.

ત્યાં જ કોંગ્રેસનું માનવું છે કે, ગત ચૂંટણીઓ કરતા સારું પરિણામ આવશે. અને હવે લોકો ભાજપથી કંટાળી ગયા છે, કોરોનામાં સેવા આપવાની ફક્ત વાતો જ ભાજપના નેતાઓએ કરી છે પરંતુ તેઓએ પ્રાથમિક સુવિધાઓ પણ આપી નથી.

(9:05 pm IST)