Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

વડોદરા દુષ્કર્મ પ્રકરણ : બંને નરાધમોને અંતે પકડી પડાયા

દસ દિવસ બાદ આખરે બંને આરોપીઓ સંકજામાં : ઘૃણાસ્પદ કૃત્યને લઇને દેવીપૂજક સમાજ પરત્વે લોકોમાં આક્રોશ : અમદાવાદ ક્રાઈમ બ્રાંચને હાથ લાગેલી સફળતા

અમદાવાદ, તા.૮ :     વડોદરા નવલખી ગ્રાઉન્ડમાં ૧૪ વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરનાર બંને નરાધમોને આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૧૦ દિવસે ઝડપી પાડ્યા છે. બંને આરોપી દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે, જેથી હવે તેમના અત્યંત ઘૃણાસ્પદ કૃત્યને લઇ લોકોમાં દેવીપૂજક સમાજ પરત્વે ભારોભારો આક્રોશ પ્રવર્તી રહ્યો છે. બંને આરોપીઓ પૈકી એક તરસાલી માર્કેટ પાસે અને બીજો સુશેન બ્રીજ પાસે રહે છે. વડોદરા શહેર પોલીસની ૩૦થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ અમદાવાદ ક્રાઇમના ટેકનીકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી નરાધમોને દબોચી લેવામાં સફળતા મળી હતી. પકડાયેલા આરોપીઓ મૂળ જસદણ અને આણંદના હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ જિલ્લાના જસદણનો જશો વનરાજ સોલંકી (ઉ.વ.૨૧) આણંદના તારાપુરના કિશન કાળુભાઇ માથાસુરીયા(ઉ.વ.૨૮) ફુગ્ગા વેચવાનું કામ કરતા હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. અમદાવાદ ક્રાઈમની ટીમ શનિવારે બપોરે બે દેવીપુજકને પૂછપરછ માટે લઈ ગઈ હતી. તપાસમાં એક દુષ્કર્મી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે તેનો સાગરિત બીજો હોવાની કેફિયત કરતા પોલીસ મોડી રાત્રે અઢી વાગે વડોદરા આવી તરસાલીમાંથી તેને ઉપાડી ગયા હતાં. બંનેએ સગીરા પર ગેંગરેપ કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એકની પાસેથી સગીરાના મિત્રના મોપેડની ચાવી કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં બંને રીક્ષામાં લાલબાગ પાસે આવી ત્યાંથી નવલખીમાં લૂંટના ઈરાદે ગયા હતાં. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશ્યલ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, તા.૨૮ નવેમ્બરના રોજ સગીરા મિત્ર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેઠા હતી. ત્યારે બે શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. વડોદરાના સામુહિક દુષ્કર્મંના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાઇ હતી.

          હ્યુમન ઈન્ટેલિજન્સ સીસીટીવી અને ટેકનીકલ ઈન્ટેલીજન્સની મદદથી પોલીસે બે આરોપીઓને વડોદરાના તરસાલી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. જેના માટે પોલીસ રાત દિવસ કામે લાગી હતી. આ બંને આરોપીઓને આજે વડોદરા શહેર પોલીસને સોંપવામાં આવશે. બંનેની પૂછપરછમાં પીડિતાએ ફરિયાદમાં જણાવેલી વિગતોને સમર્થન મળે છે અને બંનેની ગુનામાં સંડોવણી હોવાના પુરાવા પણ મળ્યા છે. વધુમાં અજય તોમરે ઉમેર્યું હતું કે, આ બંને આરોપીઓ અગાઉ મારામારી, ચોરી અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાની વિગતો પણ સામે આવી છે. પૂછપરછમાં બીજા ગુનાઓની હકીકત જાણવા મળે તેવી શક્યતા છે. નવલખીની આસપાસના વિસ્તારમાં તે સમયે જે લોકો હતાં. તેની આસપાસ જે લોકો રહેતા હતા. તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં કડી મળતા બંને પકડાયા હતા. બંને આરોપીઓ ફુગ્ગા વેચવાની કામગીરી કરતા હતા. આ ઉપરાંત અલગ-અલગ મજૂરી કામ પણ કરતા હતા. આરોપીઓને એવુ લાગતુ હતુ, એમને નહીં ઓળખી શકાય, પરંતુ ગુનેગાર પુરાવા છોડીને જ જાય છે અને પોલીસ તેના માટે મહેનત કરે છે.

વડોદરા સામુહિક દુષ્કર્મ કેસ

૩૦૦૦થી વધુ લોકોની પુછપરછ થઈ ચુકી છે

અમદાવાદ, તા.૮ :      વડોદરા નવલખી ગ્રાઉન્ડમાં ૧૪ વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરનાર બંને નરાધમોને આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૧૦ દિવસે ઝડપી પાડ્યા છે. સામુહિક દુષ્કર્મ કેસમાં સફળતાની સાથે સાથે નીચે મુજબ છે.

રાજયભરમાં ચકચાર જગાવનાર બનાવ શું હતો?

   નવલખી કંપાઉન્ડમાં ૨૮મી નવેમ્બરે ગુરુવારે રાત્રે યાકુતપુરાની ૧૪ વર્ષની સગીરા ગુરુવારે રાત્રે તેના ૧૫ વર્ષના મંગેતર સાથે એકટીવા પર નવલખી ગ્રાઉન્ડમાં ગઇ હતી. એેકટીવા પર બેઠેલા મંગેતરને પોલીસના સ્વાંગમાં આવેલા બે નરાધમોએ ફટકારી સગીરાને ખેંચીને ઝાડીમાં લઇ ગયા હતાં અને તેની પર બેરહમીથી બંને દેવીપૂજક આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું અને રાત્રિના અંધારામાં ત્યાંથી નાસી છૂટયા હતા. બીજીબાજુ, મંગેતરે બૂમાબૂમ કરી પોલીસની મદદ લેતા પોલીસ ઝાડીઓમાં બેટરીઓ મારી સગીરાને શોધતી આવી હતી. સગીરા મળતાં પોલીસે મેડિકલ પરીક્ષણ કરાવતા તેની સાથે ગેંગરેપ થયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આ કેસમાં ૩૦૦૦થી વધુ લોકોની પૂછપરછ કરાઇ હતી

   વડોદરા નવલખી ગ્રાઉન્ડ ખાતે સામૂહિક દુષ્કર્મના ચકચારભર્યા કેસમાં બંને દેવીપૂજક આરોપીઓએ વડોદરા પોલીસને દસ દિવસ સુધી હંફાવી હતી. ખૂબ જ સંવેદનશીલ અને ચકચારી એવા આ કેસમાં પોલીસની કુલ ૩૨થી વધુ ટીમો દોડતી હતી અને ૩૦૦૦થી વધુ શકમંદોની આ કેસમાં પૂછપરછ અને તપાસ કરાઇ હતી. એટલું જ નહી, દસ દિવસની તપાસમાં બંને આરોપીઓના સ્કેચ ત્રણ વાર બદલવામાં આવ્યા હતા અને જાહેરમાં ચોંટાડી પબ્લીકની મદદ લેવાઇ હતી. પોલીસની જે ૩૨ ટીમો તપાસ કરતી હતી તેમાં  હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેક્નિકલ સર્વેલન્સ, એફએસએલ, મોબાઇલના સીડીઆરથી મદદ લેવાઇ હતી. બંને આરોપીઓ ભ્ર્મમાં હતા કે, પોલીસ તેમને ઓળખી નહી શકે

   અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્પેશ્યલ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, બંને દેવીપૂજક આરોપીઓને એવો વહેમ હતો કે, બનાવના દિવસે તે બંને રાત્રિના અંધારામાં નાસી છૂટયા હોવાથી કોઇએ જોયા નથી, એટલે પકડાશે નહી અને તેઓને કોઇ ઓળખી શકશે નહી. અંધારામાં કોઇએ જોયુ નહી હોય એટલે તેમને ઓળખવા મુશ્કેલ હશે. પરંતુ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી સર્વેલન્સ અને ઇલેકટ્રોનીક સર્વેલન્સના આધારે બંને આરોપીઓને ઝડપી લીધા હતા.

બંને આરોપીઓને જાહેરમાં ફાંસી આપવા પીડિત પરિવારની માંગ

   દરમ્યાન દુષ્કર્મનો ભોગ બનનારી પીડિતાના પરિવારજનોએ ઘટનાના દસ દિવસ બાદ બંને આરોપીઓ ઝડપાતાં તેમણે પોલીસનો આભાર માન્યો હતો પરંતુ સાથે સાથે તેમને જલ્દીમાં જલ્દી ન્યાય આપવા અને બંને આરોપીઓને જાહેરમાં ફાંસી આપવાની ઉગ્ર માંગ કરી હતી. સમગ્ર વડોદરામાં ફેરવી ફેરવીને આરોપીઓને આકરામાં આકરી સજા આપવી જોઇએ કે જેથી સમાજમાં એક સંદેશો જાય. પોલીસ અને પબ્લીકે જે અમને સપોર્ટ કર્યો તે બદલ અમે આભાર માનીએ છીએ. આરોપીઓએ જે હવાનિયત અમારી દિકરી પર આચરી છે, તેવી હેવાનિયત અને સજા આરોપીઓને આપવી જોઇએ કે જેથી તેમને ખબર પડે. પીડિતાની માતા અને બહેને આરોપીઓને ફાંસીની સજા આપવા ઉગ્ર માંગ કરી હતી.

આરોપીઓ અગાઉ પણ ચોરી, લૂંટ સહિતના ગુનામાં સંડોવાયેલા છે

   પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી હકીકત ખુલી હતી કે, દેવીપૂજક બંને આરોપીઓ અગાઉ પણ ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી અને મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા છે અને હવે તેમની સામે સગીરા પર સામૂહિક દુષ્કર્મનો અતિ ગંભીર કેસ નોંધાયો છે. આમ, બંને આરોપીઓ રીઢા અને ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાનું સ્પષ્ટ થતાં લોકોમાં પણ હવે દેવીપૂજક સમાજ પરત્વે ભારોભારો આક્રોશ સામે આવી રહ્યો છે.

(7:50 pm IST)