Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

મહેમદાવાદની મોદજ સીમમાં ગાયોની તસ્કરી કરવા આવેલ બે ઈસમોને સ્થાનિક લોકોએ રંગે હાથે ઝડપ્યા

મહેમદાવાદ:તાલુકાના મોદજ સીમમાંથી ગાયની ચોરીનો પ્રયાસ કરતા બે ઈસમોને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ તાલુકાના મોદજમાં રહેતા હેમરાજભાઈ મફતભાઈ રબારી સીમમાં ગાયો ચારતા હતા ત્યારે નર્મદા વાત્રક નદીના પટમાંથી બે ઈસમો ગાયને ચોરી લઈ જતાં જોવા મળતા હેમરાજભાઈ રબારીએ પીછો કરતા આ ઈસમોએ ગાયને મૂકી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બૂમાબૂમ સાંભળી ગ્રામજનો એ પશુ ચોરીનો પ્રયાસ કરતા બંને ઈસમોને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.
મહેમદાવાદ પોલીસે આ બંનેની અટક કરી પૂછપરછ કરતા કાબાભાઈ ડાહ્યાભાઈ દેવીપૂજક (રહે. મોદજ દાઝીપુરા) તથા સુરેશભાઈ ચંદુભાઈ દેવીપૂજક (રહે. મોદજ મૂળ રહે. રાલજ, તા. ખંભાત) હોવાનું જણાવ્યું હતું. આ બંને ઈસમોને કોર્ટમાં રજૂ કર્યા હતા. બાદ જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે હેમરાજભાઈ મફતભાઈ રબારીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:12 pm IST)