Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ચૂંટણી ઈન્ચાર્જ ડીજીપીના સુપરવિઝનમાં થાય તેવી ઘટના ઘટે તો નવાઈ નહીં

પ્રથમ તબક્કાનું મતદાન ૯મીએ છેઃ રેગ્યુલર ડીજીપી અંગે હાઈકોર્ટમાં ૧૨મીએ સુનાવણી છે

રાજકોટ, તા. ૮ :. ગુજરાતમાં લાંબા સમય થયા ઇન્ચાર્જ ડીજીપી નિમવાની ચાલતી આવતી પ્રથા અને રાજય સરકારની નીતી-રીતી સામે હાઇકોર્ટમાં પીઆઇએલએ રીટ પીટીશનમાં ચુંટણી પંચને પણ પક્ષકાર બનાવાયા હોવાથી ચુંટણી પંચે હાઇકોર્ટમાં  પોતાનો જવાબ એફીડેવીડ દ્વારા રજુ કરી એવુ વલણ દાખવ્યુ છે કે કાયમી ડીજીપીની નિમણૂકનું કાર્ય નવી સરકારનું છે. આનો સીધો અર્થ એવો થાય કે પ્રથમ તબક્કાના મતદાન સુધી રેગ્યુલર ડીજીપીનો મામલો અધ્ધરતાલ રહેશે. આનુ કારણ એ છે કે, હાઈકોર્ટ દ્વારા જે નવી મુદત આપવામાં આવી છે તે ૧૨મી ડીસેમ્બરની છે. જ્યારે પ્રથમ તબક્કાનું મતદાન કાલે શનિવારે છે.

આનો સીધો અર્થ એ થાય કે, પ્રથમ તબક્કાનું મતદાન તો રેગ્યુલર ડીજીપીના બદલે ઈન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમારના માર્ગદર્શનમાં જ થશે. બીજુ ૧૨મી તારીખે હાઈકોર્ટમાં મુદત છે, ત્યારે ચૂંટણી પંચ સ્વભાવિક રીતે ૧૪મી તારીખના બીજા તબક્કાના મતદાનમાં કાર્યરત હશે. આવા અગત્યના કામને લીધે હાઈકોર્ટમાં જવાબ રજુ કરવા સમય મળી શકે નહીં. જો આવુ થાય તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઈતિહાસમાં સર્વપ્રથમ વખત રેગ્યુલર ડીજીપીને બદલે ઈન્ચાર્જ ડીજીપીના સુપરવિઝનમાં થશે.

પુર્વ આઇપીએસ અધિકારી રાહુલ શર્માએ લાંબા સમય થયા હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી છે એ પીટીશનમાં તેઓએ સુપ્રિમ કોર્ટના ડાયરેકશન, બોમ્બે પ્રોવીઝનલ એકટ તથા ચુંટણી સમયે તમામ જવાબદાર અધિકારીઓ જેમાં ડીજીપીનો સમાવેશ છે તે રેગ્યુલર રાખવાનો નિયમ છે તે મુજબ અમલ કરવા માંગ કરી છે.

પુર્વ આઇપીએસ રાહુલ શર્માએ પોતાની રીટ પીટીશનમાં ગુજરાત સરકાર પર આક્ષેપ કરતા એવું પણ જણાવ્યું છે કે ગુજરાતમાં ડીજીપી જેવા મહત્વના અને સર્વોચ્ચ સ્થાન પર લાંબા સમયથી ઇન્ચાર્જ નીમવાની જે પ્રથા છે તેની પાછળ સરકારનો ઇરાદો પોલીસ તંત્રને પોતાના હાથ નીચે રાખવાનો છે.  આ બાબત ખુબ જ ગંભીર છે.

ઉકત રીટ પીટીશન કે જેમાં વારંવાર મુદતો પડી છે તેવી આ રીટ પીટીશનમાં રાજય સરકારે એવો જવાબ રજુ કરેલ કે 'હાલમાં ચુંટણી જાહેર થઇ હોવાથી નિમણુંક કે બદલીઓની સતા ચુંટણી પંચને છે' રાહુલ શર્માએ પણ આ બાબત ગ્રાહ્ય રાખી ચુંટણી પંચને પણ પક્ષકાર બનાવવા સુચવતા હાઇકોર્ટે ચુંટણી પંચને પક્ષકાર બનાવેલ.

(12:26 am IST)