Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

સુરતમાં વડોદ ગામમાં દુષ્‍કર્મ દરમિયાન બાળાનું મોતઃ બાળાનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારનાર આરોપીની શોધખોળ

સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ભાળ મેળવવા તપાસ

સુરત: સુરતમાં દીવાળીના દિવસે ગુમ બાળકીની લાશ મળી આવતા શહેરમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. ત્યારે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યો હતો. એવું પણ અનુમાન કરાઈ રહ્યું છે કે બાળકીનું ગળું દબાવી હત્યા કરાઈ હોય શકે અથવા દુષ્કર્મ દરમિયાન તેનું મોત થયું હોય શકે છે. જો કે, આ ઘટનાને અંજામ આપનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

દિવાળીના દિવસે સુરતના વડોદ ગામમાં મોડી રાત્રે ઘરઆંગણેથી બાળકી ગુમ થયાની જાણ પોલીસને થતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ જોવા મળી હતી. પોલીસના 100થી વધારે જવાનો બાળકીની શોધખોળ કરવા માટે કામે લાગી ગયા હતા. જો કે, ગતરોજ બાળકીનો મૃતદેહ ઝાડીઓમાંથી મળી આવતા શહેરમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. બાળકીના મૃતદેહની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તે દિશામાં તપાસનો દોર ધમધમાટ કર્યો હતો. પોલીસે હાલ બાળકીના મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું.

ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે. કોહવાયેલ ગયેલી હાલતમાં મળેલા મૃતદેહને વિશેરા લેબમાં મોકલવામાં આવ્યા છે. નરાધમ આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયાં હતાં. અજાણ્યો નરાધમ આરોપી સીસીટીવી કેમેરામાં કેદ પણ થયો છે.

પોલીસ દ્વારા જે વિસ્તારમાંથી બાળકી ગાયબ થઈ હતી ત્યાથી લઈને તમામ વિસ્તારના સીસીટીવી કેમરાની તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીની શોધવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ કામે લાગી ગયા છે. પોલીસે લોકોને આ આરોપી વિશે અથવા બાળકીને શોધવા માટે લોકોને અપીલ પણ કરી હતી.

(4:57 pm IST)