Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

અંબાજી, ડાકોર, દ્વારકા, સોમનાથ, પાલીતાણા, શામળાજી સહિતના યાત્રાધામોમાં ગમે ત્યારે હેલીકોપ્ટર ઉતારી શકાય તે માટે હેલીપેડ બનાવાશે

ગુજરાતમાં વરસાદના કારણે સંપર્ક ન તૂટે તે માટે ૪૭૧ કરોડના ખર્ચે કોઝ-વે બનાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં નવી સરકાર રચાયા બાદ યુદ્વના ધોરણે પ્રજાલક્ષી કામો હાથ ધર્યા છે અને હવે યાત્રાધામોમાં આવવા માટે સરળતા રહે તે માટે હેલિપેડ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ યાત્રાધામો ઉપર ચોવીસ કલાકમાં ગમે ત્યારે હેલિકોપ્ટર ઉતરી શકે તે માટે હેલિપેડ બનાવવામાં આવશે. આ સિવાય વરસાદમાં જે ગામ વિખૂટા પડી જાય છે અને તેમના માટે કોઈ વિકલ્પ રહેતો નથી તેવા 295 ગામ આઈડેન્ટિફાય કરાય છે અને એ સમસ્યા નિવારવા માટે રૂા.૪૭૧ કરોડના ખર્ચે કોઝ-વે બનાવવામાં આવશે અને તે માટેની સૈદ્વાંતિક મંજૂરી મળી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજ્યના પ્રવાસન ધામોનો વિકાસ થાય અને મહત્તમ લોકો દર્શનાર્થે આવે તે માટે રાજ્ય સરકાર કટિબદ્વ છે. આવનારા દિવસોમાં અંબાજી, ડાકોર, દ્વારકા, સોમનાથ, પાલિતાણા અને શામળાજીમાં હેલિપેડ બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવનાર છે. માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, યાત્રાધામો હેલિપેડથી જાેડવામાં આવશે અને તે માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ યાત્રાધામો ઉપર ચોવીસ કલાકમાં ગમે ત્યારે હેલિકોપ્ટર ઉતરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે.

ગુજરાતના આ યાત્રાધામોમાં દેશભરમાંથી ભક્તો આવતા હોય છે અને હવે હેલિકોપ્ટર મારફતે પણ ભક્તો દર્શનાર્થે આવી શક્શે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ સિવાય રાજ્યમાં ભારે વરસાદના કારણે 295 ગામનો સંપર્ક તૂટી જાય છે અને આ સંપર્ક તૂટે નહી તે માટે પણ રાજ્ય સરકારે 295 ગામ આઈડેન્ટિફાય કર્યા છે અને તેના માટે રૂા.૪૭૧ કરોડના ખર્ચે ૨૯૫ કોઝ-વે બનાવવાની દિશામાં પણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે અને તેની સૈદ્વાંતિક મંજૂરી મળી ચૂકી છે. આગામી દિવસોમાં પ્રસિદ્વ યાત્રાધામોમાં હેલિકોપ્ટર સેવા શરૂ થઈ જાય તે દિવસો હવે દૂર નથી. દેશભરમાંથી આવવા માગતા ભક્તો પણ આસાનીથી હેલિકોપ્ટર મારફતે આવી શક્શે અને દર્શન કરી શક્શે.

(4:55 pm IST)