Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કોરોનાની સારવાર લઈને આવેલા ઇસનપુર ભાજપના કોર્પોરેટરે જાહેરમાં ઉજવ્યો બર્થ ડે

મહામંત્રી આયોજિત બર્થડે પાર્ટીમાં અન્ય કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા

અમદાવાદ : કોરોનાના નિયમોનો ભંગ કરવામા સૌથી આગળ રહેલા ભાજપના કાર્યકરો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અમદાવાદના ઇસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ આતિશ પટેલ જેઓ હજુ પંદર દિવસ પહેલાં જ હોસ્પિટલમાંથી કોરોનાથી મુક્ત થઈને ઘરે આવ્યા છે.હજુ કોરોનામાંથી માંડ કળ વળી છે ત્યાં જ તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરીને ભીડ ભેગી કરી હતી

 જાહેરમાં યોજાયેલી બર્થડે પાર્ટીનું આયોજન ઇસનપુર બોર્ડના મહામંત્રી જીતુ સોલંકીએ કર્યું હતું. આ ઉપરાંત વોર્ડના કોર્પોરેટર ગૌતમ પટેલ, જીગીશા ઘડિયાળી અને રંજન મસિયા સહિત લાંભા વોર્ડ પ્રમુખ માનસિંગ પણ હાજર રહ્યા હતા. આ દ્રશ્યો જોઇને ચોક્કસપણે કહી શકાય કે ભાજપના નેતાઓથી માંડીને કાર્યકર્તાઓ કોઇને પણ કોરોના નથી નડતો.તેઓ વારંવાર ગાઈડલાઈનનો ભંગ કરે છે. આમ છતા સામાન્ય લોકોનું દંડતુ તંત્ર આવી બર્થડે પાર્ટી અટકાવી શકતુ નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ હાઈકોર્ટને ટકોર કરી હતી પરંતુ જાણે નેતાઓને કોઈ નિયમ લાગુ પડતો ન હોય તેમ વર્તન કરી રહ્યા છે. જો કે હાઈકોર્ટની ટકોર બાદ સીએમ રૂપાણી પણ આ મામલે નેતાઓને સલાહ આપી હીતી. પરંતુ તેની પણ તેમના નેતાઓ પર કોઈ અસર થઈ નથી તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે.થોડા દિવસ પહેલા સીઆર પાટલની રેલીમાં પણ આ જ પ્રકારે નિયમોને નેવે મુકવામાં આવ્યા હતા.

(8:10 pm IST)