Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

બે બુટલેગરોને પકડવા ગયેલી DCP ટીમ પર શ્વાન છોડાયા

ખોખરાની નાણાવટી ચાલીમાં બનાવથી ચકચારઃ બંને બુટલેગરની પત્નીઓએ પોલીસ ઉપર કૂતરા છોડી, ઘર્ષણ કરી બંને આરોપીને ભગાડી દીધા : પોલીસ તપાસ

અમદાવાદ, તા.૮: શહેરના ખોખરા વિસ્તારમાં બુટલેગરોને પાસા હેઠળ ધરપકડ કરવા ગયેલા ઝોન ૫ ડીસીપી સ્ક્વોડના પોલીસ કર્મીઓ પર બુટલેગર અને તેના પરિવારજનોએ હુમલો કરી તેમની પાછળ કૂતરા છુટા મૂકી દીધા હતા અને  પોલીસ સાથે ઘર્ષણ ઉભું કર્યું હતું. આ સમગ્ર ષડયંત્રમાં બંને બુટલેગરોની પત્નીઓએ સક્રિય ભાગ ભજવ્યો હતો અને પોતાના બુટલેગર પતિઓને ભગાડી મૂકયા હતા. આરોપીઓ વિદેશી દારૂનો ધંધો કરે છે અને જ્યારે પોલીસ રેડ કરવા જાય ત્યારે તેમની પાછળ કૂતરા છુટાં મૂકી દેતા હોવાની વાત સામે આવી હતી, જેથી પોલીસે બંને બુટલેગર ભાઈઓ અને તેમની પત્નીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડની તજવીજ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિત મુજબ, શહેરના ખોખરા વિસ્તારમાં મદ્રાસી મંદિર પાસે આવેલી નાણાવટીની ચાલીમાં શૈલેન્દ્રસિંહ ઉર્ફે શૈલેષ ચાવડા અને જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ ચાવડા નામના બે બુટલેગર ભાઈ વિરુદ્ધ પાસાનો હુકમ થયેલો હોઇ પોલીસ અવારનવાર તેમને પકડવા જતી હતી પરંતુ તેઓ મળ્યા ન હતા. દરમ્યાન ગઇકાલે બપોરે ઝોન ૫ સ્ક્વોડને માહિતી મળી હતી કે, બંને ભાઈઓ તેના ઘરે હાજર છે જેથી સ્ક્વોડના માણસો અને ખોખરા પોલીસના માણસો તેઓને પકડવા નાણાવટીની ચાલીમાં ગયા હતા. પોલીસ આવતાની સાથે જ બંનેની પત્નીઓ આરોપીઓને ભગાડવા ધક્કામુક્કી કરી હતી. ઘરમાં જતા જ તેઓએ પાળેલા કૂતરા પોલીસ છોડી મૂકયા હતા. કૂતરા કરડવા આવતા પોલીસકર્મી પાછળ ખસી જતા તેઓને ઇજા થઇ હતી. આ ઘર્ષણ અને માથાકૂટ દરમ્યાન બંને બુટલેગર આરોપીઓ નાસી ગયા હતા. બંને મહિલાઓએ કૂતરાને છુટા મૂકી પોલીસ સાથે ઘર્ષણ અને રુકાવટ ઉભી કરી તેમના પતિને ભગાડી દીધા હતા.

આ બુટલેગરના ઘરે જાય ત્યારે પણ તેઓ કૂતરા છોડી દેતા હતા, જેથી પોલીસ ત્યાં રેડ કરી શકતી નહોતી. પોલીસને આ રીતે ભયમાં મુકવાના ષડયંત્રને લઈ તેમની સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બંને બુટલગેરો ઉપરાંત તેમની પત્નીઓ વિરૂધ્ધ પણ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(9:56 pm IST)