Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

સિંહોના રક્ષણ અને જતન માટે સરકારે જરૂરી પગલા લીધા છે

સિંહોના મોત મામલે સરકારે જવાબ રજૂ કર્યોઃ ગીર, જૂનાગઢ સહિતના જિલ્લામાં કૂવાના ફરતે કવરીંગ કર્યાની કામગીરી સરકારે રજૂ કરી : ટૂંકમાં વધુ સુનાવણી

અમદાવાદ, તા.૮: ગીર પંથકમાં દલખાણિયા અને જસાધાર રેન્જમાં ૨૩ સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટમાં રાજય સરકાર તરફથી આજે સોગંદનામું રજૂ કરી બચાવ કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સિંહોના મોત પાછળનું ચોક્કસ કારણ કે અન્ય તથ્યો વિશે કોઇ સ્પષ્ટ ફોડ પાડવામાં આવ્યો ના હોય તેવું જણાતું હતું. રાજય સરકાર દ્વારા રજૂ કરાયેલા જવાબમાં માત્ર ગીર-ધારી પંથકમાં સિંહો ખુલ્લા કૂવામાં પડી ના જાય તે માટે તેને કવર લગાવવા અંગેની વાતનો ભારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે, આજે સરકાર દ્વારા  ફરી એકવાર સિંહોના રક્ષણ અને જતન માટે સરકાર દ્વારા અસરકારક પગલા લેવાઇ રહ્યા હોવાનો પુનરોચ્ચાર કરાયો હતો. સરકારપક્ષ તરફથી જણાવાયું હતું કે, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિતના પંથકમાં મળી કુલ ૫૦,૫૧૭ કૂવાઓ ખુલ્લા હતા, જેના કારણે સિંહો તેમાં પડી જવાથી મોતને ભેટતા હોવાની ઘટનાઓ બનતી હતી, તેથી સિંહોના રક્ષણ અને બચાવ માટે સરકારે કાર્યવાહી કરી જરૂરી સૂચનાઓ આપી હતી, જેના અનુસંધાનમાં વનવિભાગ દ્વારા અત્યારસુધીમાં ૩૨,૫૫૯ કૂવાઓની ફરતે દિવાલ અને કવર બનાવી તેને આવરણયુકત બનાવી દેવાયા છે  કે જેથી સિંહો તેમાં પડી ના જાય અને અકાળે મોતને ના ભેટે. જો કે, ત્રણ જિલ્લાઓમાં મળી હજુ ૧૭,૯૫૮ જેટલા કૂવાઓમાં આ પ્રકારનું કવરીંગ કરવાનું બાકી છે. રાજય સરકાર દ્વારા સેવા સેતુ યોજના અંતર્ગત લાભ લેવા માટે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોને પણ સમજાવાયા છે, કે જેથી આવા કૂવાઓ કવર કરી શકાય. કૂવાની ફરતે કવરીંગ કરવા દિવાલ બનાવવા રાજય સરકાર તરફથી સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોને રૂ.૧૬ હજાર સુધીની સબસીડી પણ અપાઇ રહી છે. જયાં આ પ્રકારના ખુલ્લા કૂવાઓ કવરીંગ કરવાના બાકી છે, તે જિલ્લાઓમાં સ્થાનિક જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના સત્તાધીશોની મદદથી કૂવાઓ કવર કરવા માટેનું ખાસ અભિયાન હાથ ધરાશે.  રાજય સરકાર દ્વારા ફરી એકવાર સિંહોના રક્ષણ અને જતન માટે સરકાર દ્વારા અસરકારક પગલા લેવાઇ રહ્યા હોવાનો પુનરોચ્ચાર કરાયો હતો. હાઇકોર્ટે સરકારના સોંગદનામાંને રેકર્ડ પર લઇ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે.

(9:41 pm IST)