Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

મોદી લિખિત 'એકઝામ વોરિઅર્સ' પુસ્તકની ૪૫૦૦ નકલ વિતરણ કરતા નરહરિ અમીન

વિદ્યાર્થીઓને મનમાંથી પરીક્ષાનો ડર કાઢવાનું માર્ગદર્શન

ગુજરાત આયોજન પંચના ઉપાધ્યક્ષ અને અમદાવાદની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણિ સંકુલના વડા શ્રી નરહરિ અમીને ગયા પખવાડિએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત લઈ 'હીરામણિ જિજ્ઞાસા' સામયિકનો અંક અર્પણ કરેલ તેમજ 'એકઝામ વોરિઅર્સ'ની નકલોના વિતરણ અંગે વાત કરેલ તે પ્રસંગની તસ્વીર(૨-૭)

રાજકોટ, તા. ૮ :. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની 'મન કી બાત' કાર્યક્રમના પ્રતિભાવોથી પ્રેરાઈને બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી 'એકઝામ વોરિઅર્સ' (પરીક્ષાના યોદ્ધા) પુસ્તક લખ્યુ છે. તેમણે આ પુસ્તકને 'નરેન્દ્ર મોદી મોબાઈલ એપ' સાથે જોડયુ છે. તણાવ રહિત પરીક્ષા અને માર્કસ વિરૂદ્ધ જ્ઞાન જેવા મુદ્દા પર દેશભરમાં વૈચારિક આદાનપ્રદાન થાય અને વિદ્યાર્થીઓને ઉપયોગી નવા ઉપાયો સામે આવે તે આ પુસ્તકનું લક્ષ્ય છે.

નવજીવન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આ અંગ્રેજી પુસ્તકની ગુજરાતી આવૃતિ તૈયાર કરવામાં આવી છે. પ્રથમ ગુજરાતી આવૃતિ માર્ચ ૨૦૧૮માં પ્રસિદ્ધ થયેલ. ગુજરાત આયોજન પંચના ઉપાધ્યક્ષ અને અમદાવાદમા શિક્ષણ ક્ષેત્રે પ્રથમ હરોળની સંસ્થા હીરામણિ શિક્ષણ સંકુલના વડા શ્રી નરહરિ અમને (મો. ૯૮૨૫૦ ૦૬૬૬૭) ગુજરાત આવૃતિની વધુ ૪૫૦૦ નકલ તૈયાર કરાવી રાજ્યમાં શિક્ષકો, પ્રાધ્યાપકો, શાળાઓ, કોલેજો, વાંચનાલયો, અધિકારીઓ તેમજ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને ભેટ તરીકે મોકલેલ છે. તેમની સંસ્થા દ્વારા દર મહિને વિદ્યાર્થીઓને ઉપયોગી 'હિરામણિ જિજ્ઞાસા' પ્રસિદ્ધ કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા શ્રી નરહરિ અમીને નવી દિલ્હીમાં વડાપ્રધાનને મળી હિરામણિ જીજ્ઞાસા અને 'એકઝામ વોરિઅર્સ'ના વિતરણ અંગે વાત કરતા વડાપ્રધાને પ્રસન્નતા વ્યકત કરી હતી.

શ્રી નરહરિ અમીને પુસ્તકમાં જણાવ્યુ છે કે, એકઝામ વોરિઅર્સ પુસ્તક  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રકાશિત કરી વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને સમાજને નવો રાહ બતાવ્યો છે. આ પુસ્તક દ્વારા તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર પોતાનો મનમાંથી કેવી રીતે કાઢવો તે ખૂબ સરળતાથી સમજાવવામાં આવ્યું છે.

દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશના વડાપ્રધાન જ્યારે વિદ્યાર્થીની ચિંતા અને ચિંતન કરતા જોવા મળે ત્યારે આ પુસ્તકના વાંચકને ગર્વ સાથે હાંશકારો થાય કે, આ દેશની લોકશાહીનું સંચાલન એક સબળ નેતૃત્વ દ્વારા થઈ રહ્યું છે. આ પુસ્તક ફકત વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ શિક્ષકો અને વાલીઓને પણ જરૂરી માર્ગદર્શન આપે છે. આ પુસ્તકમાં જ્ઞાન અને ટેકનોલોજી ઉપર ભાર મુકાયો છે, સાથે સાથે પરીક્ષાની તૈયારી હસતાં-રમતાં કેવી રીતે કરવી ? એનું સરસ વર્ણન કરવામાં આવ્યું છે. ટાઈમ મેનેજમેન્ટ, ભૂતકાળ ભૂલી વર્તમાનમાં જીવવાની કળા, રમત-ગમત તથા પ્રવાસનું મહત્વ, પરીક્ષા સમયે જાળવવાની માનસિક સમુતલા, શારીરિક અને માનસિક કુશાગ્રતા કેળવવા માટે યોગનું મહત્વ જેવા સ્વસ્થ જીવન જીવવાના મહત્વના મુદ્દાઓ આ પુસ્તકમાં ખૂબ સફળતાપૂર્વક વર્ણવવામાં આવ્યા છે શ્રી અમીને જણાવ્યુ છે.

(3:18 pm IST)