Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

કોંગ્રેસમાં વધુ એક ગાબડું, સાબરકાંઠામાં 100 જેટલા કોંગ્રેસી અને એક આપના આગેવાને કેસરિયો પહેર્યો

એક જ સપ્તાહમાં બીજી વાર કોંગ્રેસી આગેવાનોના મોટા જૂથ હવે ભાજપમાં જોડાયા

સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસની હાલત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા વધુ ખરાબ થઈ રહી છે. પહેલા દિગ્ગજ આગેવાનોએ કોંગ્રેસનો સાથ છોડી દીધા બાદ વિધાનસભા બેઠક પરના આગેવાનો પણ હવે કોંગ્રેસ છોડીને કેસરીયો ધારણ કરી રહ્યા છે. એક જ સપ્તાહમાં બીજી વાર કોંગ્રેસી આગેવાનોના મોટા જૂથ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે. ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના વિજયનગર વિસ્તારના 100 થી વધુ આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. અશ્વિન કોટવાલની ઉપસ્થિતીમાં કાર્યકરોએ કેસરીયો કર્યો હતો.

ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્યો અશ્વિન કોટવાલ અને મહેન્દ્રસિંહ બારીયા હવે ભાજપનો ખેસ પહેરીને પક્ષ માટે પાયાનુ કાર્ય કરી રહ્યા છે. બંને પૂર્વ ધારાસભ્યોએ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને પણ કેસરીયા કરાવ્યા હતા. પરંતુ હવે વિજયનગર વિસ્તારમાં 100 થી વધુ આગેવાનો અને કાર્યકરો એક સામગટે કોંગ્રેસને છોડી ચૂક્યા છે. જેમાં પુરુષ અને મહિલા બંને પ્રકારના આગેવાનો અને કાર્યકરોનો સમાવેશ થાય છે.

વિજયનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ રહી ચૂકેલા કાન્તાબેન બળેવિયા એ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધુ છે. તેમજ વિજયનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદે લાંબા સમયથી રહેલા સુરેશ ગઢવીએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. માલધારી સેલના અધ્યક્ષ ભગવાનદાસ રબારી એ પણ કોંગ્રેસને રામ રામ કર્યા છે. NSUI ના વિજયનગર તાલુકા પ્રમુખ કલ્પેશ ભગોરાએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીમાંથી પણ તાલુકા ઉપપ્રમુખ સ્તરના એક આગેવાન અનિલ કમજી અસારી ભાજપમાાં જોડયો હોવાની જાણકારી સામે આવી છે.

(7:31 pm IST)