Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સંજીવ ભટ્ટને રિમાન્ડ ન આપવા સામે પાલનપુર કોર્ટના હુકમને સીઆઇડીએ હાઇકોર્ટમાં પડકાર્યો

સોમવારે શું થશે? હાઇકોર્ટના ચુકાદા તરફ રાજયભરના પોલીસ તંત્રની મીટ

રાજકોટ, તા., ૮: ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જસ્ટીસ શ્રી આર.આર.જૈનના બહેનની માલિકીની રાજસ્થાન પાલી ગામે આવેલી દુકાન ખાલી કરાવવા માટે એક એડવોકેટને ફસાવી અફીણ મુકવાનો પ્લાન તૈયાર કરી એડવોકેટની ધરપકડ કરવાના રર વર્ષ જુના મામલે જેના પર આરોપ છે તેવા બનાસકાંઠાના તત્કાલીન એસપી અને હાલ નિવૃત એવા પુર્વ સિનીયર આઇપીએસ સંજીવ ભટ્ટ તથા તત્કાલીન પીઆઇ વ્યાસના પાલનપુર મેજીસ્ટ્રેટ કોર્ટે જામીન નામંજુર કરતા સીઆઇડી ક્રાઇમે હાઇકોર્ટમાં ઉકત હુકમને પડકારતા અને જેની સુનાવણી સોમવારે થવાની હોય રાજય પોલીસ તંત્રમાં હાઇકોર્ટ કેવું વલણ લેશે? તે તરફ આતુરતાભરી મીટ મંડાણી છે.

બચાવપક્ષના વકીલ દ્વારા આ કેસ ખુબ જ જુનો અર્થાત રર વર્ષ અગાઉનો હોય તેમજ આ મામલે અગાઉ પણ પુછપરછ અને તપાસ થઇ ચુકી હોવા સાથે તેમના અસીલ સીઆઇડી ક્રાઇમના કબ્જામાં ર૪ કલાકથી વિશેષ સમય રહયા હોય આ સમયગાળો પુરતો હોય તેવી દલીલ કરતા જે દલીલ માન્ય રહી હતી.

પાલનપુર મેજીસ્ટ્રેટ કોર્ટના ઉકત આદેશ સામે સીઆઇડી ક્રાઇમની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન  ટીમ દ્વારા સીઆઇડીના ડીજી કક્ષાના વડા આશીષ ભાટીયા સાથે પરામર્શ કરી પાલનપુર કોર્ટના હુકમ સામે અપીલ કરવાનું નક્કી કરવામાં આવેલ. સીઆઇડી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સીઆઇડી દ્વારા પાલનપુર કોર્ટમાં પુર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ અને તત્કાલીન પીઆઇ વ્યાસની રિમાન્ડ માંગણી સમયે હાઇકોર્ટના વિવિધ જજમેન્ટો ટાંકી આ પ્રકારના કેસમાં રિમાન્ડ મલ્યાની વાત દોહરાવેલ. સામાન્ય રીતે આ પ્રકારના કેસોમાં અગાઉ હાઇકોર્ટે રિમાન્ડ આપ્યાના ચુકાદા પણ સામેલ રાખેલ. વિશેષમાં હાઇકોર્ટના હુકમનું નીચલી અદાલત સામાન્ય રીતે માન્ય રાખતી હોવાની દલીલો પણ હાઇકોર્ટમાં થઇ છે.

સીઆઇડી ક્રાઇમના સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ બચાવ પક્ષ દ્વારા કેસ ખુ જ જુનો હોવાની જે દલીલ થઇ છે તે દલીલોનું ખંડન સરકારી વકીલ દ્વારા ભુતકાળના જજમેન્ટ ટાંકી એવી રીતે કરવામાં આવી છે કે સમયગાળો બહુ મહત્વનો હોતો નથી. તત્કાલીન એસપી દ્વારા દુકાન ખાલી કરાવવા ધમકી આપી અફીણનો જથ્થો મુકવાની પણ વાત કરેલી. જે જથ્થો હતો તે કયાં છે? તે બાબત પણ જાણવાની જરૂરી હોય સંજીવ ભટ્ટ તથા તત્કાલીન પીઆઇ વ્યાસના રિમાન્ડ જરૂરી છે. આમ આ ચકચારી મામલે હવે શું થશે? રિમાન્ડ મળશે કે કેમ? તેની સર્વત્ર ચર્ચા ચાલે છે. અત્રે યાદ રહે કે સીઆઇડી ક્રાઇમના વડા આશીષ ભાટીયાના માર્ગદર્શનમાં બીટકોઇન્સ પ્રકરણમાં તત્કાલીન આઇપીએસ જગદીશ પટેલ વિગેરેની ધરપકડ કરી રિમાન્ડ મેળવાયેલા.(૪.૪)

બચાવ પક્ષના વકીલોએ રિમાન્ડ માંગણી રદ કરવા માટે શું-શું દલીલ કરી ?

રાજકોટઃ સીઆઇડી ક્રાઇમ દ્વારા સંજીવ ભટ્ટને ૧૪ દિવસના રિમાન્ડ આપવા પાલનપુર  મેજીસ્ટ્રેટ કોર્ટમાં માંગણીની સામે બચાવ પક્ષના વકીલોએ કોર્ટમાં એવું જણાવ્યું કે આ કેસ રર વર્ષ જુનો છે, તેમના અસીલ સીઆઇડીના કબ્જામાં ર૪ કલાકના સમયગાળા માટે હતા. જે સમયગાળો પુરતો છે.

સરકારી વકીલે હાઇકોર્ટમાં રિમાન્ટ માટે કયાં કયાં કારણોની રજુઆત કરી

રાજકોટઃ પાલનપુર મેજીસ્ટ્રેટ કોર્ટે રિમાન્ડ ના મંજુર કરતા સમયે બચાવ પક્ષની કેસ જુનો હોવાની દલીલ માન્ય રાખી જેનું ખંડન કરતા સીઆઇડી ક્રાઇમે હાઇકોર્ટને એવું જણાવ્યું કે કેસ કેટલો જુનો છે તેનું બહુ મહત્વ નથી, આ પ્રકારના કેસોમાં હાઇકોર્ટે રિમાન્ડ આપ્યા જ છે. હાઇકોર્ટના જજમેન્ટનું નીચલી અદાલત પાલન કરતી હોય છે.

(4:06 pm IST)