Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સરકારે અછતનો પડકાર ઝીલ્યોઃ ઘાસ-પીવાના પાણીનો સર્વે

પખવાડિયામાં વરસાદ ન થાય તો સ્થિતિ વિકટઃ સરકાર માટે ચૂંટણીના વર્ષમાં જ કુદરતી આફતના એંધાણ

રાજકોટ તા.૮: રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં અપુરતો વરસાદ પડતા સંભવિત અછતના ડોકિયા થવા લાગ્યા છે. હજુ સપ્ટેમ્બર અંત સુધી ચોમાસાનો સમયગાળો ગણાતો હોવાથી સરકારને અને પ્રજાને સારા વરસાદની આશા છે. જો આવતા પખવાડિયામાં વરસાદ નહિ થાય તો ખેતીનું ચિત્ર ઘુંધળુ થઇ જશે ઘાસ અને પીવાના પાણીની સ્થિતિ વિકટ થઇ જશે. સરકારે સંભવિત અછતનો પડકાર ઝીલી પુર્વ તૈયારી શરૂ કરી છે. પીવાના પાણીની શું સ્થિતિ છે? અને આવતા દિવસોમાં કેટલું ઘાસ ઉપલબ્ધ થઇ શકે તેમ છે? તેની માહિતી સબંધિત વિભાગો પાસેથી માંગવામાં આવી છે. જરૂર પડે તો ઓકટોબરમાં ખેતીનો પણ સર્વે કરાવીને અછત-રાહતના પગલા શરૂ કરાશે.

આ વરસે ચોમાસુ મોડુ શરૂ થયેલ. એક મહિનાથી વધુ સમયથી મેઘરાજાએ મોઢુ ફેરવી લીધુ છે. ગુજરાતના ર૦૩ તાલુકાઓમાં ડેમોની  કુલ સંગ્રાહશકિતના પર.૭૮ ટકા જળ જથ્થો છે. તે ગયા વર્ષે ૭ સપ્ટેમ્બરે ૬૭.ર૦ ટકા હતો. નર્મદા ડેમની સપાટી ૧રપ મીટર નજીક પહોંચી છે તે આશ્વાસનરૂપ છે. કચ્છ અને બનાસકાંઠામાં સ્થિતી સૌથી વધુ ખરાબ છે. રાજયમાં કયાંય પીવાના  પાણી માટે આવતુ આખુ વરસ તકલીફ નહિ પડે તેવો સરકારનો દાવો છે. ઓકટોબરમાં ઘાસ, પીવાના પાણી અને વાવેતરની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ અછતના પગલા શરૂ કરવામાં આવશે. જો કે તે પૂર્વે મેઘરાજા ચમત્કાર સર્જશે તેવી આશા અમર છે. (૧.૩૫)

(4:04 pm IST)