Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

કરો વાત! અમદાવાદી લેડી બુટલેગરના ૨૧ પોલીસવાળા ફેસબુક ફ્રેન્ડ્સ !

મામ સામે ડિપાર્ટમેન્ટલ તપાસ શરૂ : FB ફ્રેન્ડ પોલીસની મદદ મળતી હોવાની શંકા

અમદાવાદ તા. ૮ : અમદાવાદની કુખ્યાત મહિલા બુટલેગર સરિતા દેવીના કેસમાં આવેલ નવા ખુલાસાથી સમગ્ર પોલીસ બેડમાં ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના કેટલાક પોલીસ કર્મીઓ નામચીન મહિલા બુટલેગર સિતારાદેવીના ફેસબુક ફ્રેન્ડ હોવાના ખુલાસા પર શહેરના ઝોન-૫ના DCP હિમકરસિંહે ૨૧ જેટલા પોલીસકર્મીઓ વિરુદ્ઘ આંતરિક તપાસના આદેશ આપ્યા છે.

રખિયાલ વિસ્તારમાં રહેતી સિતારા ભાડભુજા(૩૬)ના દારુના અડ્ડા પર સ્થાનિકો દ્વારા ગત ૨૪ જુલાઈના રોજ જનતા રેડ પડ્યા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી અને સિતારા તેમજ તેના મળતીયાઓની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક સામાજીક કાર્યકર્તા કલિમ સિદ્દિકીએ કહ્યું કે, 'ભાડભુજા અનેક વર્ષોથી આ દારુ વેચવાનો ગોરખધંધો કરે છે પરંતુ રખિયાલ પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસકર્મીઓ સાથે તેના સંબંધ હોઈ ખૂબ ઓછા કેસ તેની વિરુદ્ઘ નોંધવામાં આવ્યા છે.'

સિદ્દિકીએ કહ્યું કે, 'ગત ૨૪ જુલાઈએ પણ સ્થાનિકો દ્વારા જનતા રેડ અને હોબાળા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને સિતારા અને તેના મળતિયાઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે એ જ દિવસે સિતારા લોકઅપમાંથી ભાગી જવામાં સફળ રહી હતી. પરંતુ પાછળથી મોટા હોબાળા બાદ પોલીસે તેને વડોદરા રેલવે સ્ટેશનથી પકડી પાડી હતી.'

પોલીસ સૂત્રોએ કહ્યું કે, 'બૂટલેગર ભાગી જવાના કિસ્સામાં ચાર પોલીસ કર્મચારીઓ પીએસઓ દિલિપસિંહ અભયસિંહ, કોન્સ્ટેબલ ભરત દુધાભાઈ, લોકરક્ષક દળ જવાન ભરતસિંહ અને મહિલા લોકરક્ષક દળ કોન્સ્ટેબલ શિતલ ત્રિકમભાઈને ફરજની ઉપેક્ષાનો કેસ નોંધી તપાસ થઈ રહી છે.'

જયારે ફેસબુક ફ્રેન્ડ મામલે DCP હિમકરસિંહે કહ્યું કે, 'તેમની પાસે પૂરાવા છે કે ૨૧ પોલીસ જવાનો આ બુટલેગર સાથે ફેસબુક ફ્રેન્ડ હતા અને તમામને બીજા જિલ્લામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. તેમજ મે H ડિવિઝનના ACPને સમગ્ર તપાસ કરવા આદેશ આપ્યો છે. જેમાં તેઓ શા માટે અને કઈ રીતે આ બુટલેગરના મિત્ર હતા તેની તપાસ કરવામાં આવશે અને ગુનો સાબિત થતા આકરા પગલા લેવા માટે ઉચ્ચ અધિકારીઓને જાણ કરીશ.'(૨૧.૨૯)

(4:04 pm IST)