Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં યોજાઇ તિરંગા યાત્રા : ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલની ૧૫૫૧ વિદ્યાર્થીનીઓએ ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે યોજી તિરંગાયાત્રા

રાજકોટ:: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં આજે યોજાયેલી તિરંગા યાત્રાનો ફ્લેગ ઓફ કરાવીને પ્રારંભ કરાવ્યો હતો. જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓએ શહેરમાં સૌપ્રથમવાર ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજી હતી.

ઘાટલોડિયાના કે.કે.નગર પાસે ઉમિયા હોલ થી પ્રભાતચોક સુધીના ગૌરવપથ પર યોજાયેલી તિરંગા યાત્રામાં કુલ ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને તિરંગાનું ગૌરવ વધાર્યું હતું. આ યાત્રામાં વિશાળ તિરંગા સહિત રાષ્ટ્રપ્રેમની ઝાંખી કરાવતી વેશભૂષા, શારીરિક વ્યાયામ અને અંગ કસરત પ્રદર્શનો, સંગીત-નૃત્યો તેમજ દેશપ્રેમની ભાવના દર્શાવતા બેનરો અને પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી આર.આર.વ્યાસ, ભાજપા શહેર પ્રમુખ અમિત શાહ અને સહ કોષાધ્યક્ષ  ધર્મેન્દ્ર શાહ, સહપ્રવકતા ડૉ. ઋત્વિજ પટેલ તેમજ કોર્પોરેટરો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:04 pm IST)