Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ચેમ્બરની ચૂંટણી માટે કેમિકલ માફિયાના દબાણનો આક્ષેપ

ગુજરાત વેપારી મહામંડળની ચૂંટણીનો વિવાદ : કોરોના સંક્રમણની જવાબદારી કોના શિરે, વાઈસ પ્રેસિડન્ટ માટેના ઉમેદવારે શહેર કલેક્ટરને સણસણતો સવાલ કર્યો

અમદાવાદ, તા. : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણી પાંચમી સપ્ટેમ્બરે યોજવા માટે કલેકટરે મંજૂરી આપી દીધી છે. જેને પગલે ચૂંટણીમાં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી કરી રહેલા ભાવેશ લાખાણીએ અમદાવાદ કલેકટરને પત્ર લખીને પોતાના નિર્ણય અંગે ફેરવિચાર કરવા માટે રજૂઆત કરી છે સાથે સાથે જે રીતે કોરોના નું સંક્રમણ વધતું જઈ રહ્યું છે ત્યારે પાંચમી સપ્ટેમ્બરે કોરોનાનું સંક્રમણ નહીં વધતું હોય તેવી આગામી જાણ કલેકટરને કેવી રીતે થઈ ? તે ઉપરાંત કલેકટરને ચેમ્બરની ચૂંટણી માટેની મંજૂરી આપવા માટે રાજકીય કે અમદાવાદના કેમિકલ માફિયાઓ નું દબાણ હતું કે કેમ? તે અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.હવે જોવાનું રહ્યું કે ભાવેશ લાખાણીના પત્ર બાદ ચેમ્બરની ચૂંટણી અંગે કોઈ નવા ફેરફાર થાય છે કે નહીં? બીજી તરફ ચેમ્બરના સિનિયર સભ્યો જણાવી રહ્યા છે કે ભાવેશ લાખાણીએ ની 'હાર' નક્કી હોવાથી તેઓ ચૂંટણી ટાળવા માટેના હવાતિયાં મારી રહ્યા છે.

            ૧૧મી સપ્ટેમ્બરના રોજ યોજાનારી ચેમ્બરની ચૂંટણી ચૂંટણી અધિકારી પી.કે .લહેરીએ કોરોનાની મહામારી ને લઈને રદ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ચેમ્બરની એક્ઝિક્યુટીવ કમિટીની બેઠકમાં ચૂંટણી ની નવી તારીખ ૫મી સપ્ટેમ્બર જાહેર કરવામાં આવી હતી સાથે સાથે ચેમ્બરના સેક્રેટરી જનરલ દ્વારાચૂંટણી પ્રક્રિયા માટે કલેકટરને મંજૂરી મેળવવા માટે પણ પત્ર લખ્યો હતો જેને આધારે કલેકટરની ટીમે ચેમ્બર ની વિઝીટ લઈ ચૂંટણી પ્રક્રિયા માટે મંજૂરી આપી હતી. ઘટના બાદ ચેમ્બરની ચૂંટણીમાં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી કરી રહેલા ભાવેશ લાખાણીએ કલેકટર સમક્ષ એવી રજૂઆત કરી છે કે જે રીતે કોરોના નો વ્યાપ વધતો જઈ રહ્યો છે તે જોતાં કલેકટર દ્વારા ચૂંટણી માટેના નિર્ણય અંગે ફેરવિચારણા કરી યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

            વધુમાં ભાવેશ લાખાણીએ કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે જેમાં તેમની રજૂઆત છે કે જો કલેકટર દ્વારા પાંચમી સપ્ટેમ્બર ચૂંટણી માટેની મંજૂરી આપવામાં આવી છે તો કલેકટરને પાંચમી સપ્ટેમ્બરે કોરોના નું જોર ઘટી ગયું હશે તેવી અગાઉથી જાણ કેવી રીતે થઈ ગઈ. ઉપરાંત જો કલેકટર ઉપર ચેમ્બરની ચૂંટણી પ્રક્રિયા માટે મંજૂરી આપવાનું કોઈ રાજકીય દબાણ અથવા અમદાવાદના કેમિકલ માફિયાઓનુ દબાણ હતું કે કેમ? સાથે સાથે ચેમ્બરની પ્રિમાઈસીસ માં ચૂંટણી પ્રક્રિયા યોજાશે ત્યારે તમામ ઉમેદવારો તમામ મતદાર સભ્યો ચેમ્બરના તમામ કર્મચારીઓ બહારગામથી આવેલા સભ્યો તેમના પરિવારજનો તેમના સ્ટાફ વગેરેની ઉપસ્થિતિ ને કારણે સોશિયલ  ડિસ્ટન્સ જળવાઈ નથી અને કોરોનાનો સંક્રમણ વધી જાય અને કોઈ તકલીફ ઊભી થાય તો તેની વ્યક્તિગત જવાબદારી કલેકટરની રહેશે કે પછી ચેમ્બરના હોદ્દેદારોની કે ચેમ્બરના સેક્રેટરી જનરલની રહેશે? ભાવેશ લાખાણી દ્વારા કલેકટર સમક્ષ રજૂઆત ને લઈને ફરીથી ચેમ્બરની ચૂંટણીમાં ગરમાટો આવી ગયો છે. બીજી તરફ ચેમ્બરના સિનિયર સભ્યો જણાવી રહ્યા છે કે ભાવેશભાઈ લાખાણી પોતાની હાર નિશ્ચિત છે તે જાણી ગયા છે તેને કારણે ચૂંટણી ટાળવા માટે પ્રયાસ કરી રહ્યા છે.જોકે હવે ચેમ્બરની ચૂંટણી પ્રક્રિયામાં કોઇ ફેરફાર આવે છે કે પછી ચૂંટણી થાય છે તે તો સમય બતાવશે.

(8:01 pm IST)