Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

રાજસ્‍થાનના રાજકારણમાં ગુજરાતનો મોટો રોલ સામે આવ્‍યોઃ સચિન પાયલટ જુથના કેટલાક ધારાસભ્‍યોને અમદાવાદના બાવળાના ફાર્મહાઉસમાં લવાયા

ગાંધીનગર: છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાનના રાજકારણમાં વાંકું પડ્યું છે. સચીન પાયલોટે પોતાના જ પક્ષ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. આવામાં ફરીથી રાજસ્થાનમાં રાજકારણમા ગુજરાતનો મોટો રોલ સામે આવ્યો છે. ત્યારે રાજસ્થાનના ભાજપ સમર્થક ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. સાથે જ અપક્ષ અને સચીન પાયલટ જૂથના કેટલાક ધારાસભ્યો પણ તેમાં સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. રાજસ્થાનના આ તમામ ધારાસભ્યોને અમદાવાદના બાવળાના ફાર્મ હાઉસમાં લાવવામાં આવ્યા છે. રાજસ્થાનના ધારાસભ્ય અમદાવાદના બાવળામાં હોવાથી અનેક રાજકીય ચર્ચાઓ વહેતી થઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ ધારાસભ્યોને ક્યાય બહાર લઈ જવામાં નહિ આવે. જે સ્થળ પર રાખવામાં આવ્યા છે ત્યા પાસેના તમામ રસ્તા પર ખાનગી ડ્રેસ પર પોલીસ કર્મચારી ગોઠવાયા છે. રાજકીય હેતુ પાર ન પડે ત્યા સુધી તમામને અહીં રાખવામાં આવશે.

 ધારાસભ્યો સાચવવાની વાત આવે ત્યારે અનેકવાર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજસ્થાનમાં શરણ લીધી છે. ત્યારે હવે ભાજપે રાજસ્થાનમાં પોતાના ધારાસભ્યોને સાચવવા કવાયત હાથ ધરી છે. આ કારણે પોતાના કોઈ ધારાસભ્યો ન તૂટે તે માટે રાજસ્થાનના ભાજપના ધારાસભ્યોને અમદાવાદ લાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ભાજપની સત્તા છે, આવામાં અહી ધારાસભ્યો સલામત ગણી શકાય. ગુજરાતમાં પણ ભાજપ સરકાર હોવાથી આ જગ્યા સલામત તથા રાજસ્થાનથી નજીકની પણ છે. આ ધારાસભ્યો અશોક ગેહલોતની સરકારને સમર્થન ન કરે તે માટે તેઓને અહી લાવવામાં આવ્યા છે.

લગભગ એક ડઝનથી વધુ ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. અશોક ગેહલોત પોતાની સરકાર બચાવવા માટે કોઈ પણ નીતિ અપનાવી શકે છે. આવા સંજોગોમાં બોર્ડર લાઈન પર ઉભેલા ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. ક્યાંકને ક્યાક એવું માને છે કે, અશોક ગેહલોતની સરકાર પડવી છે. શક્તિ પરીક્ષણમાં ભાજપનું કાચુ ન કપાય તે માટે અહી લાવવામાં આવ્યા છે. આ તમામને ગુજરાતમાં અલગ અળગ જગ્યાએ લાવવામાં આવશે. એક જ જગ્યાએ નહિ રાખવામાં આવે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તમામ ધારાસભ્યોને ગુજરાતમાં અલગ અલગ સ્થળે રાખવામાં આવશે. આ ધારાસભ્યો ગુજરાતમાં 6 દિવસ પસાર કરશે. 14 ઓગસ્ટથી રાજસ્થાન વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે, આ સત્રમાં શક્તિ પરીક્ષણ થાય તેવી શક્યતા છે. ત્યારે ગેહલોત સરકાર દ્વારા પણ સરકાર બચાવવા અને સચીન પાયલોટ ગ્રૂપ પર કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. આવામાં કોઈ ડેમેજ ન થાય તે માટે ધારાસભ્યોને અહી લાવવામાં આવ્યા છે. આ તમામને 14 તારીખે સવારે જ રાજસ્થાન લઈ જવાશે. બાવળામાં ભાજપના એક રાજકીય નેતાના ખાનગી રિસોર્ટમાં તમામને રાખવામાં આવ્યા છે. જેના બાદ તેઓને ગ્રામ્ય અને ગાંધીનગરમાં કેટલાક ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવશે.

(4:42 pm IST)