Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

છોટા ઉદેપુરના કવાંટમાં ૩૦ કલાકમાં ૧૩ ઈંચ

ગુજરાતના ૮૪ તાલુકાઓમાં વરસાદ : છવાયા ઘટાટોપ વાદળો

અમદાવાદ, તા. ૮ : રાજયમાં ફરીવાર વરસાદનો માહોલ જામ્યો છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ સામાન્ય વરસાદ નોંધાયો છે. ૨૨ જીલ્લાના ૮૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુરના કવાંટમાં ૧૩ ઈંચ વરસાદ ખાબકયો છે.

જયારે છોટાઉદેપુરમાં છેલ્લી ૨૪ કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. દાહોદ જિલ્લાના લીમખેડા, ધાનપુરમાં સવારે ૬ થી બપોર ૨ સુધી ૨-૨ ઈંચ વરસાદ પડ્યો છે.

રાજયમાં સીઝનનો અત્યાર સુધીનો કુલ ૬૩.૩૮% વરસાદ નોંધાયો છે. સીઝનમાં ૦ થી ૫૦ મી.મી. વરસાદ વરસ્યો હોય તેવા ૧ તાલુકા, ૫૧ થી ૧૦૦ મીમી વરસાદ વરસ્યો હોય તેવા ૧૩ તાલુકા ૧૨૬-૨૫૦ મી.મી. વરસાદ વરસ્યો હોય તેવા ૫૩ તાલુકા, ૨૫૧-૫૦૦ મી.મી. વરસાદ વરસ્યો હોય તેવા ૧૦૭ તાલુકા છે.

જયારે ૫૦૦ થી ૧૦૦૦ મી.મી. વરસાદ વરસ્યા હોય તેવા ૪૫ તાલુકા તો ૧૦૦૦ મી.મી. કરતા વધુ વરસાદ વરસ્યો હોય તેવા ૩૨ તાલુકા છે. ત્યારે હવામાન ખાતાએ આગામી ૯ અને ૧૦ ઓગષ્ટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

(4:19 pm IST)