Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ગુજરાત-અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટા પડવાની વકી

રાજ્ય-શહેરના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાઃ રાજ્યમાં હજુ સુધી ૪૪૧મીમી વરસાદ સામે ૩૩૬મીમી વરસાદ : ૧૯ ટકા ઓછો વરસાદ નોંધાયો છે

અમદાવાદ, તા.૮: અમદાવાદ અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટા પડ્યા છે. દક્ષિણ પૂર્વ રાજસ્થાન ઉપર અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે જે આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં મધ્યમથી હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગ તરફથી હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી યથાવત રાખવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, દમણ દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટા પડી શકે છે. બીજી બાજુ અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૯ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં પણ હળવા ઝાપટા પડી શકે છે. બીજી બાજુ તંત્ર તરફથી વરસાદને લઇને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં હજુ સુધી સૌથી માઠી અસર જે જિલ્લાઓમાં થઇ છે જેમાં કચ્છ અને અમદાવાદનો સમાવેશ થાય છે. રાજ્યમાં ૧૯ ટકા ઓછો વરસાદ હજુ સુધી નોંધાયો છે. ૪૪૧ મીમી વરસાદની સામે ૩૩૬મીમી વરસાદ ગુજરાતમાં પડ્યો છે. હવામાન વિભાગ તરફથી જે આંકડા આપવામાં આવ્યા છે તે મુજબ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કચ્છ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણનો સમાવેશ થાય છે. કચ્છમાં ૭૮ ટકા ઓછો વરસાદ જ્યારે ગાંધીનગરમાં ૭૦ ટકા ઓછો વરસાદ, સુરેન્દ્રનગરમાં ૬૬ ટકા ઓછો વરસાદ અને અમદાવાદમાં ૬૨ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આઈએમડી તરફથી જણાવવામાં આવ્યું છે કે, બંગાળના અખાતમાં ડિપ્રેશનનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ઓગસ્ટ મહિનામાં સામાન્યરીતે ત્રણ અથવા ચાર સિસ્ટમ વિકસિત થાય છે. કેટલીક સિસ્ટમ વરસાદ ખેંચી લાવે છે અને ફાયદો કરાવે છે. અમદાવાદની વાત કરવામાં આવે તો ૩૬૯મીમીની સામે હજુ સુધી ૧૪૧મીમી વરસાદ થયો છે એટલે કે પાંચ ઇંચથી આસપાસ વરસાદ નોંધાયો છે. ૬૨ ટકા ઓછો વરસાદ થયો છે. સુરેન્દ્રનગર, ગાંધીનગર અને કચ્છમાં આવી જ હાલત બનેલી છે.

(10:23 pm IST)