Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કોંગ્રેસના બે 'બળીયા' વચ્ચેના વિવાદથી ટોચના નેતાઓ નિષ્ક્રીય !!

ગુજરાત કોંગ્રેસમાં નિરસતાઃ કાર્યકરો-આગેવાનો ચાવડા-ધાનાણીને સાથે કાર્યક્રમ આપતા જોવા તરસી રહ્યા છે : મેઘરાજાનો કહેર હોય કે મગફળીકાંડ હોય બન્ને નેતાઓ બની ગયા છે 'સમાંતર રેખા' ! : એક 'એ' તરફ બીજા 'બી' તરફ ઢળ્યાની ચર્ચા !! : ભાજપને ભીડવવાના અનેકવિધ મુદ્દા પરંતુ કોંગ્રેસને એક તાંતણે બંધાવાના 'સાસા'

રાજકોટ, તા. ૮ :. ગુજરાતમાં ભાજપને ભીડવવાના સંખ્યાબંધ મુદ્દાઓ સામે ચાલીને કોંગ્રેસના ખોળામાં આવી ટપકે છે પરંતુ કોંગ્રેસ આ મુદ્દાઓનો રાજકીય લાભ લેવામાં ઉણી ઉતરી રહી છે. કોંગ્રેસના બે મુખ્ય બળીયાઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી 'અબોલા' જેવો ઘાટ ઘડાયાની ચર્ચાને આડકતરૂ સમર્થન મળે તેવુ ઉડીને નજરે વળગી રહ્યુ છે. મેઘરાજાનો કહેર હોય કે મગફળીકાંડની મહેર હોય કોંગ્રેસનો ભાજપને ભીડવવામાં 'પન્નો' ટૂંકો પડે છે. બે મોટામાથાની લડાઈમાં પ્રદેશ કોંગ્રેસના મોટાગજાના એકાદ ડઝન નેતાઓ રીતસરના ઘર પકડીને બેસી ગયા હોય તેવુ સ્પષ્ટ નજરે પડે છે.

ગુજરાતમાં ભાજપને ભારે પડી જાય તેવા મુદ્દાઓ ઉલળી-ઉલળીને અખબારોને મથાળે ચમકે છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ નેતાઓ વચ્ચેની કહેવાતી જુથબંધીના કારણે આવા મુદ્દાઓનો લાભ લેવાના બદલે કોંગ્રેસનો વિરોધ વામણો સાબિત થઈ રહ્યો છે.

રાજ્ય આખામાં ઠેર ઠેર પાણી ભરાયા, ખેતરો ધોવાયા, જગતાત બિચારો બન્યો છતા માત્ર પ્રેસ કોન્ફરન્સ કે મામુલી મેદની વચ્ચે ધરણાઓ કરીને જાણે કોંગ્રેસ માત્ર હાજરી પુરાવતી હોય તેવુ લાગે છે ખરેખર છે ગુજરાતના બે મુખ્ય હોદા બે અલગ અલગ જુથમાં વહેંચાયાની ચર્ચા છે.

બન્ને મુખ્ય નેતાઓ બે પૂર્વ પ્રદેશ પ્રમુખ વચ્ચે વહેંચાઈ ગયાનું અને જુનો જુથવાદ શાંત થવાના બદલે વધુ વકર્યો હોવાનું અને તેની સીધી અસર સ્થાનિક રાજકારણમાં થવાના કારણે તાલુકા તથા જીલ્લામાં પણ કોંગ્રેસમા રાજકીય ખેંચાખેંચી વધુ બળવત્તર બન્યાનુ મનાય છે.

છેલ્લા ઘણા સમયથી બન્ને મુખ્ય નેતાઓ કોઇ જગ્યાએ દેખાડા ખાતર પણ એકતાનું નાટક કરી શકયા ન હોવાનું જોઇ શકાય છે ત્યારે બે બળીયા વચ્ચેની ખેંચતાણમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ગજાવતા બે ત્રણ મુખ્ય ઉપપ્રમુખો, ત્રણેક મહામંત્રી સહિતના હોદેદારો ઘર પકડીને બેસી ગયાનું સ્પષ્ટ જોઇ શકાય છે.

એન.એસ.યુ.આઇ.ના પૂર્વ અગ્રણી અને હાલ પ્રદેશ નેતા ઉપરાંત જગદીશભાઇ ઠાકોર, મૌલીન વૈશ્નવ સહિતના કેટલાય નેતાઓ પોતાની સક્રિયતાથી દૂર થઇ ગયાનું જોઇ શકાય છે.

ચાર કાર્યકારી પ્રમુખોને નિમવામાં આવ્યા હતા તેમાંથી પરેશ ધાનાણી વિપક્ષી નેતા બની ગયા છે. અન્ય કાર્યકારી પ્રમુખ કુંવરજીભાઇ બાવળીયા ભાજપમાં ચાલ્યા ગયા છે. કરશનદાસ સોનેરી તથા તુષારભાઇ ચૌધરી છેલ્લા થોડા સમયથી પોતાના અસ્સલ રંગમાં નજરે પડયા નથી.

અસ્સલ કાઠીવાડી કહેવતમાં વાત કરીએ તો કોંગ્રેસમાં હાલ ''રામરાજ''ને ''કોંગીજનો'' દુઃખી જેવો ઘાટ ઘડાયો છે.

બન્ને બળીયા નેતાઓને દિલ્હી હાઇકમાન્ડનું તેડું આવતા દિલ્હી ગયા છે ત્યારે હાઇકમાન્ડ પણ ગુજરાત કોંગ્રેસની સાંપ્રત પરિસ્થિતિથી વાકેફ થઇ ગયા હોય અને બન્ને વચ્ચે 'મનમેળ'' કરાવે તો ઠીક છે નહિં તો કોંગ્રેસ પક્ષ માટે આગામી દિવસોમાં ''અવસર ચુકયા મેહુલીયા'' જેવો ઘાટ ઘડાશે.

કોંગ્રેસમા થઈ રહેલા ગણગણાટ મુજબ વિપક્ષી નેતાનો કોઈ કાર્યક્રમ હોય કે પ્રદેશ પ્રમુખનો કાર્યક્રમ હોય તમામ કાર્યકરોને કે આગેવાનોને કોઈકવાર તો ખબર પણ હોતી નથી.

ઉપસંહાર જેવુ કાંઈક કહીએ તો કોંગ્રેસમાં હાલ બે ટોચના નેતાઓ પડદા પાછળ રહેલા બે માંધાતાઓની તરફ ખેંચાયા છે અને પરિણામે પક્ષમાં કયાંય એકતા, સંકલન કે સક્રિયતા નજરે પડતા નથી.

મેઘરાજાનો કહેર હોય, ખેડૂતો તથા ગ્રામજનો પાણી વચ્ચે ગરક હોય, ઉભા પાક નષ્ટ થઇ ગયા હોય તથા લોકોના ટેકસના પૈસા મગફળી કાંડમાં ''ઓહીયા'' કરી જવાયા હોવા છતાં કોંગ્રેસ અખબારો કે ન્યુઝ ચેનલોમાં નિવેદનો કરીને જવાબદારીઓ ખંખેરી રહ્યા છે. સરકાર કે શાસક પક્ષ ઉપર જે વિરોધ પક્ષનો ડર હોવા જોઇએ તેવો ભય તો ઘણા વર્ષોથી જાણે સાવ હવામાં ઓગળી ગયો હોય તેમ જોઇ શકાય છે.જો આવું જ ચાલ્યા કરશે તો ર૦૧૯ માં પણ કોંગ્રેસના મોઢે આવેલો કોળીયો વધુ એકવાર ઝૂંટવાઇ જશે અને ગુજરાતની પ્રજા રાજયના કોંગ્રેસી એકમને માફ નહિં કરે.(૨-૧૬)

(3:55 pm IST)