Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વરસાદ ખેંચાતા રાજયમાં સુકો દૂષ્કાળઃ અછતની સમીક્ષા અંગે CM ના બંગલે તાકિદની બેઠકઃ કચ્છનો ટપ્પર ડેમ ભરાશે

કચ્છના ટપ્પર ડેમને નર્મદાના પાણીથી ભરવા મહત્વનો નિર્ણયઃ પ ઇંચથી ઓછો વરસાદ પડયો હોય તેવા ૪૪ તાલુકાઃ ખેડૂતોને ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશેઃ ૪૪ તાલુકામાં ર રૂપિયે કિલો ઘાસ આપવા પણ નિર્ણ્ય

રાજકોટ તા.૮: વરસાદ ખેંચાતા દુષ્કાળની દહેશત ઊભી થઇ છે. ખેડૂતોની ઊભી મોલાતને જો પાણી નહીં મળે તો ભારે કફોડી હાલત થઇ શકે તેમ છે. આ બાબતને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીનાં નિવાસસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં લાંબી ચર્ચા વિચારણાને અંતે ત્રણથી ચાર મહત્વના નિર્ણયો લેવાયાં છે. જે મુજબ કચ્છના ટપ્પર ડેમને નર્મદાના ૫૦૦ એમસીએફટી પાણીના જથ્થાથી તાત્કાલીક અસરથી ભરી દેવાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પાણી પુરવઠો, ઘાસચારો, ખેડૂતોને સિંચાઇ માટે વીજળી જેવી અનેક મહત્વપૂર્ણ બાબતોની વિસ્તૃત છણાવટ થઇ હતી તેમજ વરસાદ ખેંચાતા  ઊભી થયેલી છેલ્લામાં છેલ્લી સ્થિતિનો કયાસ કઢાયો હતો.

આ તબક્કે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજયનાં જળાશયોમાં પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી લોકોને પીવાનું પાણી કોઇ મુશ્કેલી વગ નિયમિત રીતે મળતું રહે તે માટેની સૂચના આપી દેવાઇ છે. તેઓએ કહ્યું કે, કચ્છ જિલ્લામાં વરસાદ ઓછો પડવાથી જે સ્થિતિ સર્જાઇ છે તેન દૂર કરવા કચ્છના ટપ્પર ડેમને નર્મદાના પાણીથી ભરવાની કાર્યવાહી શરૂ કરાશે.

ઓછા વરસાદવાળા ૪૪ તાલુકાઓમાં પશુપાલકોને પણ બે રૂપિયે કિલોના રાહત દરથી ઘાસનું વિતરણ કરાશે. આ સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્રોને પણ સૂચનાઓ આપી દેવા મુખ્ય સચિવને જણાવ્યું હતું.

ઉપરાંત વરસાદ ખેંચાતા ખેડૂતોને પાકની સિંચાઇ માટે ૮ ને બદલે ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં લેવાયો હતો.

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યુ હતું કે, રાજયના ૨૫૧ તાલુકા માંથી ૨૬ તાલુકા એવા છે કે જયાં ૪૦ ઇંચથી ઓછો વરસાદ પડયો છે, જયારે ૪૪ તાલુકામાં તો પ ઇંચથી ઓછો વરસાદ પડયો છે, જેમાં કચ્છના -૧૦, મોરબીના-૨, સુરેન્દ્રનગરના-૬, જામનગરના-૨, ભાવનગર તથા દેવભુમી દ્વારકાના-૧ તાલુકાનો સમાવેશ થાય છે.

ઉર્જામંત્રી સોૈરભભાઇ પટેલે ઉમેર્યું હતું કે તાકિદના ધોરણથી ખેડૂતોને ૮ ને બદલે ૧૦ કલાક વીજળી અપાશે, આ નિર્ણયથી સરકારને દર મહિને ૨૫૦ કરોડનો બોજ પડશે, તો ખેડૂતોને રોજના ૮ કરોડ યુનિટ વીજળી મળશે. (૧.૭)

(10:35 am IST)