Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

અમદાવાદના લોકોની અમારા પ્રત્યેની લાગણી આવકાર્ય, પરંતુ પર્સનલ નંબરની જગ્‍યાઅે કોઇપણ સમસ્યા માટે અન્ય નંબર ઉપર ફોન કરે તે જરૂરી, કેન્‍દ્રને અમારી સેવાની જરૂર હશે તો બદલી ત્‍યાં થઇ શકે પરંતુ ટ્રાફિકની ઝુંબેશને અનુલક્ષીને કોઇ બદલી થઇ નથીઃ મ્‍યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા અને પોલીસ કમિશ્નર અે.કે. સિંઘની બદલીની અફવા બાદ બંને અધિકારીઓની સાફ વાત

અમદાવાદઃ અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને અમદાવાદીઓનું અભૂતપૂર્વ જનસમર્થન મળ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ બંન્ને ઓફિસરે અમદાવાદને ટ્રાફિક અને દબાણમુક્ત કરવા મહાઅભિયાન શરૂ કર્યું છે જેના કારણે કેટલાક રાજકારણીઓના પેટમાં તેલ રેડાયું છે.

બંન્નેને અધિકારીઓને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવા પ્રયાસ શરૂ કર્યાના સમાચાર વહેતા થયા હતા. જોકે તેમને રોકવા અમદાવાદીઓ આગળ આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં બંન્ને ઓફિસરના ફોટાવાળી ક્લીપમાં તેમના ફોન નંબર જાહેર થયા હતા. હવે એવું જાણવા મળ્યું કે હાલ ચાલી રહેલ ટ્રાફિક ઝુંબેશને કારણે આ બન્ને અધિકારીની બદલી થશે નહીં જોકે આ બન્ને અધિકારીની બદલી થવાની નથી તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

પોલીસ કમિશનર એ.કે.સિંઘે જણાવ્યું હતું કે, છેલ્લા 12 કલાકમાં તેમના પર 5000 જેટલા કોલ્સ અને મેસેજ મળ્યાં હતા. જ્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને બે હજાર જેટલા કોલ અને મેસેજ મળ્યાં હતા જ્યારે હજુ પણ ફોન ચાલુ જ છે. બંન્ને ઓફિસરે અપીલ કરી હતી કે, લોકોની લાગણી સરાહનીય છે પણ અભિનંદન, શુભેચ્છા કે લાગણી પહોંચાડવા પર્સનલ નંબર પર કોઈ પણ નાગરિક ફોન કરે નહીં.

પોલીસ કમિશનર એ.કે.સિંઘે જણાવ્યું હતું કે, મારી પર અભિનંદન, શુભેચ્છા આપવા છેલ્લા બાર કલાકમાં દર બે સેકન્ડે એક ફોન આવે છે. લોકોની લાગણીને બિરદાવુ છું પણ મારી નાગરિકોને વિનંતી છે કે, તમારે પોલીસની મદદ જોઈતી હોય તો 100 નંબર પર ડાયલ કરો, ટ્રાફિકની સમસ્યા હોય તો 1095 પર ફોન કરે, મારી કામગીરીને બિરદાવવા કે અભિનંદ આપવા મને કોઈ નાગરિક ફોન કરે નહીં.

આવુ ચાલુ રહેશે તો ક્યારેક ઈમરજન્સી ફોન આવશે તો મારે ટાળવો પડશે. સારી કામગીરી બિરદાવવાનું ટાળો. કમિશનર તરીકે મારા ધ્યાન પર લાવવા જેવી ગંભીર બાબત લાગે તો જ મને ફોન કરવો. ચાર મહિના પહેલા એમ્પેનલમેન્ટમાં મારું નામ આવ્યું છે. કેન્દ્રને મારી સેવાની જરૂર જણાશે તો મારી બદલી ત્યાં થઈ શકે. પરંતુ ટ્રાફિકની ઝુંબેશને અનુલક્ષીને કોઈ બદલી નથી.

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, કામગીરી બિરદાવતા અને શુભેચ્છા આપતા સંખ્યાબંધ ફોનકોલ્સ, વોટસએપ અને ટેક્ટ મેસેજીસ મળ્યાં છે. મારી નાગરિકોને નમ્ર અપીલ છે કે, મને સીધો ફોન કરવાનું ટાળે. જો લાગણી પહોંચાડવી હોય તો અન્ય એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે.

જ્યાં લોકો પોતાના ફીડબેક અને સજેશન પણ આપી શકે છે. લોકોની અપેક્ષાઓ ખૂબ જ વધી છે જેને પૂરી કરવા મારા પ્રયાસ ચાલુ રહેશે અને એવા કેમ્પેઈન પણ લોંચ કરીશું છે કે જેમાં મોટા પાયે લોકો જોડાઈ શકે. સરકારી પ્રક્રિયા મુજબ મારું કેન્દ્રમાં એમપેનલમેન્ટમાં નામ આવ્યું છે તેનો અર્થ બદલીનો થતો નથી.

(8:56 am IST)