Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

મચ્છરોના ફેલાવવાને રોકવા કોર્પોરેશનની કડક કાર્યવાહી

અનેક ઇમારતોને સીલ કરી દેવામાં આવી : એએમસીની કાર્યવાહી હજુ જારી રહે તેવા સ્પષ્ટ એંધાણ

અમદાવાદ, તા. ૭ : અમદાવાદ શહેરમાં પણ રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જુદી જુદી કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે તપાસ કરીને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે સંબંધિતોને દંડ ફટકારવાની કામગીરી પણ હાથ ધરી છે જેના પરિણામ સ્વરુપે સ્વરુપે કન્ટ્રક્શન સાઇટ સાથે જોડાયેલામાં ખળભળાટ મચી ગયો છે. મોસ્કિટો બ્રિડિંગને રોકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં ચાર ઇમારત સ્થળોને સીલ પણ કરી દેવામાં આવી છે. એએમસી દ્વારા હજુ સુધી ૧૦૮ કરતા પણ વધુ સાઇટોમાં નિરીક્ષણની કામગીરી હાથ ધરીને ૫૭ને નોટિસ ફટકારી દીધી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના કહેવા મુજબ ઇસ્ટ ઝોનમાંથી ૫૫૦૦૦ જેટલી દંડની રકમ હજુ સુધી એકત્રિત કરવામાં આવી ચુકી છે. કાર્યવાહીનો દોર હજુ જારી રહેશે.

ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી પણ ૫૦૦૦૦ જેટલી દંડની રકમ વસુલ કરવામાં આવી છે. જે જગ્યાઓ ઉપર કન્ટ્રક્શન સાઇટો સીલ કરવામાં આવી છે તેમાં સિદ્ધિ કોર્પોરેશન શાહીબાગ, અરિહંત રેસિડેન્સી પાલડી, રિન્કુ કન્સ્ટ્રક્શન ખોખરા અને જયહિંદ કન્સ્ટ્રક્શન થલતેજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિકોલમાં સુવાસ રેસિડેન્સીમાં પણ કાર્યવાહી કરીને ૫૦૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. શાહપુરમાં એસીપી ઓફિસના કન્સ્ટ્રક્શન સાઇટો અને લાંભામાં રશ્મિનપાલને જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. ગોતા, બોડકદેવ, ચાંદખેડા અને શહેરના અન્ય વિસ્તારમાં પણ આક્રમક કાર્યવાહી કરવામાં આવી ચુકી છે જેથી કન્સ્ટ્રક્શન સાઇટ સાથે જોડાયેલા લોકોમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કાર્યવાહી રોગચાળાને રોકવા માટે આગામી દિવસોમાં પણ જારી રહેશે.

(9:14 pm IST)