Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો : ઉમરગામ ૧૨ ઇંચ પડ્યો

ટીંભી ગામનું તળાવ ફાટતાં રસ્તાઓ, ખેતરો પાણીમાં ગરકાવ : ઉમરગામ, ધરમપુર સહિતના પંથકોમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, સેંકડો લોકોનું સ્થળાંત કરાવાયુ : વલસાડ, પારડી, ધરમપુરમાં પણ વરસાદ

અમદાવાદ,તા.૮ : દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ આજે પણ જોરદાર ધડબટાડી બોલાવી હતી. ખાસ કરીને ઉમરગામ, ધરમપુર સહિતના પંથકોમાં તો સાંબેલાધાર અનારાધાર વરસાદ વરસ્યો હતો. ઉંમરગામમાં કલાકોના ગાળામાં જ ૬ ઇંચથી વધુ વરસાદ આજે ખાબકી ગયો હતો જેથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઉમરગામમાં તો ૧૪ કલાકમાં બાર ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર સર્જાયુ હતું. ટીંભી ગામનું તળાવ ફાટતાં રસ્તાઓ, ખેતરો અને આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ધરમપુરમાં પણ સાત ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં  સમગ્ર પંથક પાણીમાં ગરકાવ બન્યો હતો. ઉમરગામ અને ધરમપુર સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદને પગલે પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે, રોહિતવાસ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાંથી સેંકડો લોકોનું સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. પોલીસ, એનડીઆરએફ સહિતની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ અભિયાનમાં જોતરાઇ હતી. માત્ર ૧૪ કલાકમાં જ ૧૨ ઇઁચ જેટલા અતિભારે વરસાદથી ઉમરગામ જાણે બેટમાં ફેરવાયું હતું.  દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની આજે વધુ પડતી મહેરના કારણે જનજીવન ખોરવાયું હતું અને લોકોની હાલત બેહાલ અને કફોડી બની હતી. બીજીબાજુ, ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સીસ્ટમ સક્રિય બની છે. જેમાં અપર એર સાયકલોનિક સર્કયુલેશન અને લો પ્રેશર સર્જાતા આગામી ૪૮ કલાકમાં રાજયના દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર સહિતના પંથકોમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરતાં તંત્રને એલર્ટ કરી દેવાયું છે તો, સ્થાનિક લોકો ચિંતાતુર બન્યા છે. એકબાજુ, રાજયમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના પંથકોમાં મેઘમહેર જોરદાર રીતે ચાલુ છે ત્યારે બીજીબાજુ, રાજયના ઘણા ક્ષેત્રો હજુ મેઘમહેર વિના લગભગ કોરાધાકોર  જેવા જ રહ્યા છે. તો, રાજયમાં સીઝનના કુલ જરૂરી વરસાદની સામે આ વખતે હજુ ૪૬ ટકા વરસાદની ખોટ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાત દેશમાં બીજું રાજય છે, જયાં સૌથી ઓછો વરસાદ પડયો છે. પ્રથમ ક્રમે મણિપુર છે, જયાં હજુ ૬૮ ટકા વરસાદની જરૂર છે. દરમ્યાન રાજયમાં આજના વરસાદની વાત કરીએ તો, રાજયમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી પરંતુ ઉમરગામ અને ધરમપુર સહિતના પંથકોમાં વધુ પડતા વરસાદના કારણે સમગ્ર જીનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ઉમરગામ, ધરમપુર, વાપી, વલસાડ, કપરાડા, નવસારી, ભરૂચ, વાગરા, પારડી સહિતના પંથકોમાં જોરદાર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં ૧૨ ઇંચ અને ધરમપુરમાં સાત ઇંચ વરસાદ ખાબકયો હતો, જેને પગલે આ પંથકોમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. લોકોના ઘરો-દુકાનો અને કોમ્પલેક્ષોમાં પણ પાણી ભરાઇ ગયા હતા. તો, સમગ્ર વિસ્તારમાં કમર સુધીના ઉંડા પાણી ભરાઇ ગયા હતા. લોકોના ઘરોમાં ઘરવખરીનો સામાન, ફર્નિચર સહિતનો કિંમતી માલસામાન અને અનાજ-કરિયાણું અને અનેક ચીજવસ્તુઓ પાણીમાં ગરકાવ બનીને બગડી ગયા હતા, જેને લઇને લોકોની હાલત કફોડી બની હતી. નદીઓના ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાતા અંબિકા સહિતની નદીઓ બે કાંઠે ધસમસતા પ્રવાહ સાથે વહેતી જોવા મળી હતી. પૂર્ણા અને અંબિકા નદી ભયજનક સપાટી પર પહોંચતાં તંત્રને એલર્ટ કરી દેવાયું હતું. આ જ પ્રકારે અમરેલીના રાજુલા, વિકટર તથા સાવરકુંડલાના નવાગામ,દાધિયા, મેરિયાણા, વીજપડી ઉપરાંત, રાજકોટના કોટડટા સાંગાણી સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ વરસતાં લોકોએ વરસાદી માહોલની મોજ માણી હતી. આમ, સૌરાષ્ટ્ર પંથકમાં પણ આજે મેઘમહેર જારી રહી હતી.

ક્યાં કેટલો વરસાદ.....

        અમદાવાદ, તા.૮ : દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ આજે પણ જોરદાર ધડબટાડી બોલાવી હતી. ખાસ કરીને ઉમરગામ, ધરમપુર સહિતના પંથકોમાં તો સાંબેલાધાર અનારાધાર વરસાદ વરસ્યો હતો. ઉંમરગામમાં કલાકોના ગાળામાં જ ૬ ઇંચથી વધુ વરસાદ આજે ખાબકી ગયો હતો જેથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઉમરગામમાં તો ૧૪ કલાકમાં બાર ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર સર્જાયુ હતું. ટીંભી ગામનું તળાવ ફાટતાં રસ્તાઓ, ખેતરો અને આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ધરમપુરમાં પણ સાત ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં  સમગ્ર પંથક પાણીમાં ગરકાવ બન્યો હતો.

સ્થળ......................................... વરસાદ (મીમીમાં)

ઉંમરગામ..................................................... ૧૬૧

પારડી............................................................. ૨૭

વાપી............................................................... ૧૩

ધરમપુર......................................................... ૨૩

કપરાડા ૧૯

(9:09 pm IST)