Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

સેટેલાઇટ ગેંગરેપ કેસમાં પીડિતાના FSL રીપોર્ટની અનેક પ્રશ્‍નો ઉઠી રહ્યા છે, રીપોર્ટમાં યુવતી સાથે ગેંગરેપ થયો જ નથી તેવી વાત સામે આવી

અમદાવાદ:  સેટેલાઇટ ગેંગરેપ કેસમાં પીડિતાના FSL રીપોર્ટની અનેક પ્રશ્‍નો ઉઠી રહ્યા છે, રીપોર્ટમાં યુવતી સાથે ગેંગરેપ થયો જ નથી તેવી વાત સામે આવી હતી.

અમદાવાદઃ સેટેલાઈટ ગેંગરેપ કેસમાં રોજે રોજ ફરિયાદી પક્ષ, આરોપી પક્ષ અને પોલીસ તરફથી નવા ખુલાસાઓ કરવામાં આવે છે. ત્યારે હવે આ એક નવો જ વળાંક સામે આવ્યો છે. પીડિતાના FSL રિપોર્ટથી કેસમાં ફરીથી અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. સૂત્રો મુજબ રિપોર્ટમાં યુવતી સાથે ગેંગરેપ થયો જ નથી તેવી વાત સામે આવી છે. હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ FSL રિપોર્ટને મહિલા આયોગને સોંપ્યો છે. રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ મહિલા આયોગ આ કેસમાં આગળ શું કાર્યવાહી કરવી તે માટે રાજ્ય સરકારને ભલામણ કરી શકે છે. તો કેસમાં ત્રણેય આરોપીઓએ પણ પોતાના બ્રેઈન મેપિંગ માટે કોર્ટમાં અરજી કરી છે.

અમદાવાદના ચકચારી બનેલા સેટેલાઈટ ગેંગરેપ કેસમાં પીડિતાએ કરેલા સમગ્ર આરોપો ખોટા સાબિત થયા હોય તેમ લાગી રહ્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ગેંગરેપ પીડિતાના FSL રિપોર્ટમાં ગેંગરેપ જેવી કોઈ ઘટના તેની સાથે ન બની હોવાનું આવ્યું છે. ત્યારે શહેર પોલીસ કમિશનરે હવે આ રિપોર્ટને મહિલા આયોગને સોંપી દીધો છે. તો બીજી તરફ સામુહિક દુષ્કર્મના ત્રણેય આરોપીઓએ મેટ્રો કોર્ટમાં બ્રેઈન મેપિંગ માટે અરજી કરી હતી. કોર્ટે તેમની અરજીનો સ્વીકાર કરતા બ્રેઈન મેપિંગની પરવાનગી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઘોડાસરમાં રહેતી 22 વર્ષની યુવતીએ અપહરણ બાદ બે વ્યક્તિઓ દ્વારા ગેંગરેપ થયો હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પીડિતાનો આરોપ હતો કે તેની સાથે કારમાં અપહરણ કરી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરોપીઓ તેનો વીડિયો ઉતારીને 50 હજાર રૂપિયાની ખંડણીની માગી હતી. પીડિતાએ પોતાની ફરિયાદમાં વૃષભ, ગૌરવ અને યામીની નામના ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ આરોપ લગાવ્યો હતો.

પીડિતાએ આ પહેલા સમગ્ર કેસની તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જે.કે ભટ્ટ પર નિવેદન બદલવાનું દબાણ કરવા સહિતના ગંભીર આક્ષેપો કર્યા હતા. જે બાદ તેમને આ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે FSL રિપોર્ટમાં નવો ખુલાસો થતા યુવતીએ લગાવેલા ગંભીર આક્ષેપો પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

(12:26 am IST)