Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અમદાવાદ મનપાએ શાળા સીલ કરી તો શિક્ષકોએ રસ્તા પર બેસી વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવ્યા

નવસર્જન સ્કૂલ પાસે BU પરમિશન ન હોવાથી સીલ : શિક્ષકો શાળાની બહાર રસ્તા પર બેસીને વિદ્યાર્થીઓને ભણાવવા મજબૂર

અમદાવાદમાં BU પરમિશન વગરના એપાર્ટમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ યુનિટ અને શાળાઓને અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ BU પરમિશન વગરની શાળાઓને સીલ મારતા વિદ્યાર્થી અને શિક્ષકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં આવેલી નવસર્જન સ્કૂલ પાસે BU પરમિશન ન હોવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ નવસર્જન સ્કુલને સીલ માર્યું હતું. જેના કારણે હવે શાળામાં શિક્ષકો કે અન્ય કોઇ પ્રવેશી શકતા નથી. સીલ મારવામાં આવ્યું હોવાના કારણે શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષકોને શાળાની બહાર બેસીને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવું પડે રહ્યું છે.

રાજ્યમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. તેવામાં અમદાવાદની નવસર્જન સ્કુલ પર સીલ લાગ્યું હોવાના કારણે શિક્ષકો હવે શાળાની બહાર રસ્તા પર બેસીને વિદ્યાર્થીઓને ભણાવવા મજબૂર બન્યા છે. આ બાબતે નવસર્જન સ્કૂલના આચાર્ય જય પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, BU પરમિશનના નિયમ પહેલા શાળાનું નિર્માણ થયું હતું અને અત્યારે ઇમ્પેક્ટ ફી ભરવા માટે અમને જાણ નહોતી પરંતુ અમને સમય આપવામાં આવશે તો અમે આ પ્રક્રિયા પણ પૂર્ણ કરવા માટે તૈયાર છીએ. તેમણે એવું પણ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ કાર્ય ન બગડે તે માટે આજે શિક્ષકોએ રોડ પર બેસીને વિદ્યાર્થીઓને ભણાવ્યા છે અને હજુ પણ શિક્ષકો વિદ્યાર્થીઓને આ પ્રકારે ભણાવવા માટે તૈયાર છે. શાળા સીલ હોવાના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા રાણીપ વિસ્તારમાં આવેલા મારુતિ કોમ્પલેક્ષમાં 150 જેટલી દુકાનને સીલ કરી દેવામાં આવી હતી. વેપારીઓએ મહાનગરપાલિકાના અધિકારીઓને સીલ ન મારવા જણાવ્યું હતું પરંતુ અધિકારીઓએ સીલ મારી દેતા વેપારીઓએ હાથમાં વાટકા લઈને ભિખ માગીને સીલ ખોલવાની માગણી કરી હતી. એસ્ટેટ વિભાગ દ્વારા દુકાનોને સીલ મારવાની કામગીરી 31 મેના રોજ હાથ ધરવામાં આવી હતી અને 31 મેથી અત્યાર સુધીમાં શહેરમાં 2200થી વધારે યુનિટોને અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. સાથે જ આગામી દિવસોમાં પણ BU પરમિશન વગરની દુકાનોને સીલ કરવાની કામગીરી શરૂ રહેશે.

(12:27 am IST)