Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સરકારી નોકરી આપવાના બહાને 260 યુવાનો સાથે છેતરપિંડી :મહિલા સહિત 5 આરોપીઓએ 80 લાખથી વધુ નાણાં ખંખેર્યા

ગાંધીનગરની ઈન્ફોસિટી પોલીસે સમગ્ર ઘટનામાં રાજ્ય વ્યાપી કૌભાંડ હોવાની આશંકાને પગલે તપાસ શરૂ કરી

ગાંધીનગર :ગૌણ સેવા પસંદગી મંડળના નામે સરકારી નોકરી આપવાના બહાના હેઠળ 260 યુવાનો સાથે છેતરપિંડી થવાની ઘટના સામે આવી છે. આ કૌભાંડમાં એક મહિલા સહિત 5 શખ્સોએ મળી રૂ. 80 લાખથી વધારેનું ફુલેકું ફેરવ્યું છે. ગાંધીનગરની ઈન્ફોસિટી પોલીસે સમગ્ર ઘટનામાં રાજ્ય વ્યાપી કૌભાંડ હોવાની આશંકાને પગલે તપાસ હાથ ધરી છે.

વર્ષ 2019 માં બિન સચિવાલયની પરીક્ષા રદ્દ થઈ તે સમયે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરાયું હતું. આ આંદોલનમાં હાજર રહેનારી હેતવી પટેલે જે-તે સમયે આંદોલનમાં ભાગ લેનારા 8 થી 10 યુવાનો સાથે સંપર્ક કેળવ્યો હતો. આંદોલન બાદ હેતવી પટેલે આ યુવાનોને રૂ.40 હજારમાં જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાતી પરીક્ષામાં સરકારી ભરતી કરાવવાની લાલચ આપી હતી.

આ લાલચને પગલે સંપર્કમાં આવેલા દરેક યુવાનોએ તો હેતવી પટેલને રૂ. 40 હજાર આપ્યા હતા જ સાથે સાથે અન્ય યુવાનોને પણ નોકરીના ઓર્ડર નજીવી કિંમતમાં જ મળશે તેમ જણાવી તેમની પાસેથી પણ નાણાં ભરાવ્યા હતા. કુલ 260 જેટલા યુવાનોએ હેતવી પટેલ તથા તેના અન્ય સાગરિતોને રૂ. 40 હજાર આપ્યા હતા. પોલીસે હેતવી પટેલ સહિત પાંચેય શખ્સોની ધરપકડ કરી છે.

ઈન્ફોસિટી પોલીસને મળેલી બાતમીને આધારે ગાંધીનગરની એક હોટલમાં શંકાસ્પદ રીતે રખાયેલા 130 જેટલા યુવાનો વિષે પુછપરછ કર્યા બાદ અન્ય એક હોટલમાં રહેલી હેતવી પટેલની પુછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. હેતવી પટેલની પોલીસ પુછપરછ દરમિયાન તેણીએ જણાવ્યું કે અગાઉ વર્ષ 2021 ના જાન્યુઆરી માસમાં પણ 130 જેટલા યુવાનોને તાલીમ આપવા એકઠાં કરાયા હતા.

જ્યારે બાકીના 130 યુવાનોને જૂન માસમાં 15 દિવસની તાલીમ આપવાની હતી. તાલીમ આપ્યા બાદ આ તમામ તાલીમાર્થીઓને તાત્કાલિક નિમણૂંક પત્રો પણ આપવામાં આવશે તેવી લાલચ આપી હતી.

પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી નકલી આઈ કાર્ડ તેમજ શીલ્ડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસને આશંકા છે કે આ સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોઈ શકે છે ત્યારે તમામ જીલ્લા કંટ્રોલ રૂમમાં આ અંગે જાણ કરી ભોગ બનનારા યુવાનોની શોધખોળ કરવા જાણ કરાઈ છે. બીજી તરફ ઝડપાયેલા તમામ શખ્સોની કોલ ડિટેઈલ મેળવવાની તજવીજ હાથ ધરી તમામ આરોપી શખ્સોને કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આગામી સમયમાં આ કૌભાંડ કરોડોને પાર પહોંચે તો નવાઈ નહિ.

(12:12 am IST)