Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા તમામને સલામત સ્થળે ખસેડાયા : મોકડ્રિલ યોજાયું

તબીબી અધિકારીઓ, મેડીકલ-પેરા મેડિકલ સ્ટાફ, પોલીસતંત્ર અને GRD વિભાગના ફરજ પરના કર્મીઓને મોકડ્રીલ સંદર્ભે ટ્રેંનિગ અપાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ રાજપીપળાની કોવિડ હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલમાં આગની દુર્ઘટના સંદર્ભે ફાયર માટેની મોકડ્રીલ યોજવાના ભાગરૂપે રાજપીપલાની કોવિડ હોસ્પિટલના બીજા માળ પર આવેલા ICU વોર્ડમાં આકસ્મિક  ઇલેક્ટ્રિક આગ લાગતા ફરજ પરના તબીબી અધિકારી, સ્ટાફે અને GRD ના કર્મીઓએ ICU વોર્ડના દરદીઓને તાત્કાલિક સ્ટ્રેચર થકી નીચે લાવી તેમને સલામત સ્થળે પહોચાડવામાં સફળતા મળી હતી. આગની આ દુર્ઘટનામા કોઇપણ પ્રકારની જાન હાનિ થવા પામી નહોતી તેની સાથોસાથ કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતેના સંકુલમાં કાગળ અને પુઠાના વેસ્ટેડ ઢગલામાં આકસ્મિક લાગેલી આગની દુર્ઘટના અને રાહત બચાવની કામગીરી માટેનું  સફળ મોકડ્રીલ-નિદર્શન યોજાયું હતું.
આ મોકડ્રીલ અગાઉ તબીબી અધિકારીઓ, મેડીકલ-પેરા મેડિકલ સ્ટાફ, પોલીસતંત્ર અને GRD વિભાગના ફરજ પરના કર્મીઓને રાજપીપલા નગરપાલિકાના ફાયર બ્રિગેડના ફાયરમેન અનિલભાઇ રોહિતે રજૂ કરેલાં આ મોકડ્રીલ દરમિયાન આગ લાગે ત્યારે શું કરવું તેમજ ABC  અને BC ટાઇપના ફાયર ઇસ્ટીંગીશરનો કયારે અને કઇ રીતે ઉપયોગ કરવો તેની વિસ્તૃત સમજ પૂરી પાડી હતી.

(11:31 pm IST)