Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યાના આરોપીને મારી નાખવા ધમકી

બે વર્ષ પહેલાં સૂર્યા મરાઠીની હત્યા થઈ હતી : સૂર્યાનો રાઇટ હેન્ડ ગણાતો સફી શેખ પણ ચકચારી ગેંગસ્ટર મર્ડર કેસમાં પડદા પાછળનો ખેલાડી નીકળ્યો

સુરત,તા.ચકચારી સૂર્યા મરાઠી મર્ડર કેસના આરોપી સફી શેખને એક સમયે સાથે ગેંગમાં કામ કરતા અશુ પટેલે ધમકી આપતા ચકચાર મચી ગઇ હતી. મોડીરાત્રે સાગરીતો સાથે કારમાં સફીના ઘરની બહાર ધસી જઈ ભારે હંગામો મચાવી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. સવા બે વર્ષ પહેલાં ગેંગસ્ટર સૂર્ય મરાઠીને વેડરોડ સ્થિત તેની ઓફિસમાં ઘૂસી રહેંસી નંખાયો હતો.

સૂર્યાની ગેંગ ઓપરેટ કરતા હાર્દિકે સૂર્યાને પતાવી દીધો હતો. ઝપાઝપી બાદ થયેલી અથડામણમાં હાર્દિક પણ માર્યો ગયો હતો. ડબલ મર્ડરની ઘટનામાં હાર્દિક નહિ સૂર્યાનો રાઇટ હેન્ડ ગણાતો સફી શેખ પણ પડદા પાછળનો ખેલાડી નીકળ્યો હતો. પોલીસ તપાસમાં ભૂમિકા સ્પષ્ટ થતા ચોકબજાર પોલીસે સૂર્યાના મર્ડરમાં સૂર્યાની ગેંગના સફી સહિતના સાગરીતોની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. જે કેસમાં સફી સહિતના આરોપીઓ હાલ જામીન પર છે.

વધુમાં સૂર્યાએ પોતાના મોટા ભાગની પ્રોપર્ટીઝ સફીના નામે ખરીદી હોવાનું કહેવાય છે. જે મુદ્દે પણ હાલ અંદરોઅંદર વિખવાદ ચાલે છે. દરમિયાન એક સમયે સૂર્યાની ગેંગમાં સાથે કામ કરતા અશુ પટેલ સાથે સફીની હાલ દુશ્મનાવટ ચાલી રહી છે. અણુ સૂર્યાનો અડાજણ બાજુનો વહીવટ સંભાળતો હતો.

સૂર્યાના મર્ડર કે લેતીદેતીના મુદ્દે સફી અને અમુ આમનેસામને આવી ગયા છે. દરમિયાન ગત તા. ૫મીના રોજ મોડીરાત્રે ૧૧-૩૦ વાગ્યે સફી શેખ વેડરોડ-વિશ્રામનગરમાં આશિયાના એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાં સૂતેલો હતો ત્યારે સોસાયટી બહાર બૂમાબૂમનો અવાજ સંભળાયો હતો. સફીએ બારીમાંથી બહાર જોતા સ્કોડા રેપિડ કારમાં આવેલા અશુ પટેલ સહિત ચાર યુવકો સફી સમક્ષ ઇશારે કરી ગાળાગાળી કરતા હતા. અશુ પટેલે તું ઘરની નીચે આવ, તને હું બતાવું.

આજે તો તને મારી નાંખીશ એવી ધમકી આપી હતી. જેથી સફીએ ૧૦૦ નંબર પર કોલ કરી પોલીસને બોલાવી લીધી હતી. જોકે, પોલીસ આવે તે પહેલાં આશું સહિતની ટોળકી કારમાં ભાગી છૂટી હતી. બનાવ અંગે સફીઉલ્લા મો.સફી શેખએ ફરિયાદ આપતા ચોકબજાર પોલીસે અશુ પટેલ ઉર્ફે અણુ લીટી સહિત ચાર યુવકો સામે ધાકધમકીનો ગુનો નોંધ્યો હતો. ચારેય આરોપીઓ હાલ ફરાર છે.

(10:17 pm IST)