Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજ્યમાં શ્રીકાર વરસાદ પડવાની વકી, પાછોતરો વરસાદ પણ થશે

રોહિણી નક્ષત્રમાં નિયમિત વરસાદની આગાહી : રાજ્યના કેટલાક ભાગોમાં ૯૮થી ૧૦૧% મધ્ય ગુજરાત, આસપાસના ભાગોમાં ૧૦૬% વરસાદ થવાની સંભાવના

અમદાવાદ, તા. : ગુજરાતમાં વખતે રોહિણી નક્ષત્રમાં નિયમિત વરસાદ પડવાની આગાહી કરતા એક જ્યોતિષે જણાવ્યું કે, આગામી ચોમાસુ ઘણું સારું રહેવાની શક્યતા છે કારણે કે, ભૂતળમાં જે યોગ્ય થાય છે તેને ગામઠી ભાષામાં રોહિણી નક્ષત્ર કહેવાય છે. જેથી નિયમિત વરસાદ પડવાની શક્યતા છે. દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ૯૮થી ૧૦૧ ટકા તો મધ્ય ગુજરાત અને આસપાસના ભાગોમાં ૧૦૬ ટકા વરસાદ થવાની સંભાવના છે.

એટલે ગુજરાતમાં શ્રીકાર વરસાદ થવાની શક્યતા છે અને ચોમાસું સારું રહેવાની શક્યતા છે. ખેડૂતો માટે પણ વરસાદ સારો રહેવાની શક્યતા છે. પાછોતર પણ વરસાદ થશે, એટલે રવિ પાક સારા થવાની શક્યતાઓ છે. રાજ્યના વિવિધ ભાગોમાં એકાએક ગાજવીજ સાથે વરસાદ થશે. આગાહી મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૪-૧૫ જૂને વરસાદ થવાની શક્યતા છે.

છેલ્લા કેટલાક દિવસોથી નૈઋત્ય દિશા તરફથી ભેજવાળા પવન ફૂંકાઈ રહ્યા છે. સાથે સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાનના પારો ૩૮ ડિગ્રીની આસપાસ રહે છે. જેના કારણે લોકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી રહ્યા છે. દરમિયાન રાજ્યમાં ૧૮ જૂનની આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહ્યું છે. ગત વર્ષે ગુજરાતમાં સરેરાશ ૪૪.૭૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમાંય સૂકા ગણાતા કચ્છમાં તો ૪૫.૭૪ ઈંચ સાથે સીઝનનો ૨૮૨.૦૫ ટકા વરસાદ પડ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગત વર્ષે સૌથી વધારે ૬૮.૧૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. હવે વર્ષે રેકોર્ડ વરસાદ થશે કે કેમ તે હવે આગામી સમયમાં જોવા મળશે.

(7:56 pm IST)