Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

આણંદ તાલુકાના નાવલી ગામે મુકબધીર બાળકના જન્મને લઈને પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

આણંદ:તાલુકાના નાવલી ગામે મૂકબધિર જન્મેલ બાળકને લઈ પતિએ પત્નીને માનસિક ત્રાસ આપતા કંટાળી ગયેલ પત્નીએ પોતાના ઘરે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે પરિણીતાને મરવા માટે મજબુર કરનાર પતિ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ નડિયાદના પીપળાતા ખાતે રહેતા દિપીક્ષાબેનના લગ્ન આજથી લગભગ લગભગ ૧૧ વર્ષ પૂર્વે આણંદ તાલુકાના નાવલી ગામે રહેતા યોગેશકુમાર કાનજીભાઈ પ્રજાપતિ સાથે થયા હતા. સુખી લગ્ન જીવનના ફળસ્વરૂપે તેઓને બે બાળકોની પ્રાપ્તિ થઈ હતી. જો કે બીજા દિકરાનો જન્મ થયા બાદ તે બોલતો-ચાલતો ન હોઈ પત્ની દિપીક્ષાબેને તેની સારવાર શરૂ કરાવી હતી. પરંતુ કોઈ ફાયદો ન થતા યોગેશકુમાર અવાર-નવાર તેણીને મ્હેણાં-ટોણાં મારતો હતો. ઉપરાંત જમવાનું બનાવવા બાબતે પણ બોલાચાલી કરતો હતો. છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલ આ કકળાટથી કંટાળી જઈ ગત તા.૨૭મી એપ્રિલના રોજ દિપીક્ષાબેને પોતાના ઘરે ઓઢણી પંખા સાથે બાંધી લટકી જઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેણીને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ગત તા.૧૪મી મેના રોજ તેનું મૃત્યુ થયું હતું. બાદમાં આ અંગે પરિણીતાની માતા ઈલાબેન પ્રજાપતિએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યોગેશ કાનજીભાઈ પ્રજાપતિ (રહે.વલ્લભચોક, નાવલી) વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:41 pm IST)