Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

આણંદના ગંગદેવ વિસ્તારમાં ગટરના દુષિત પાણી જાહેર માર્ગ પર ફરી વળતા સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય

આણંદ: શહેરના નાની ખોડિયાર મંદિર સામે ગંગદેવનગર વિસ્તારમાં ગટરના દુષિત પાણી જાહેર માર્ગ પર ફેલાતા સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે પીવાના પાણીમાં દુષિત પાણી ભળતા ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાયા હતા ત્યારે વિસ્તારમાં રોગચાળારૂપી આફત ત્રાટકે તે પૂર્વે પાલિકા તંત્ર સજાગ બને તેવી સ્થાનિકોની માંગ છે.

વધુમાં મળતી માહિતી મુજબ આણંદ શહેરના નાની ખોડિયાર મંદિરના ગંગદેવનગર વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી વિવિધ પ્રાથમિક સમસ્યાઓ વકરી છે. પાલિકા તંત્ર દ્વારા વિસ્તારમાં હાથ ધરાયેલ વિકાસના કામો બાદ કરવામાં આવેલ ખોદકામનું યોગ્ય રીતે પુરાણ થતા ભુવાઓ પડવાની સમસ્યાઓ સર્જાઈ હતી. બાદમાં કોઈ સ્થળે ગટરલાઈનમાં ભંગાણ સર્જાતા ગટરના દુષિત પાણી પીવાની પાઈપલાઈનમાં ભળતા સ્થાનિકોને ગંદુ પાણી મળ્યું હતું અને જેના કારણે વિસ્તારમાં થી જેટલા ઝાડા-ઉલ્ટીના કેસો પણ નોંધાયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહેલ ગંગદેવનગરના રહીશોના માથે વધુ એક આફત આવતા વિસ્તારમાં ગટરના દુષિત પાણી ઉભરાઈને જાહેર માર્ગ ઉપર ફેલાતા વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. ગટરના દુષિત પાણી જાહેર માર્ગ ઉપર ફેલાવાના કારણે ભારે દુર્ગંધ વચ્ચે સ્થાનિકોને રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિસ્તારમાં સર્જાયેલ વિવિધ સમસ્યાઓ અંગે પાલિકા તંત્રને અનેકવાર લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે

(4:41 pm IST)