Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ગાંધીનગરના બહિયલમાં વહેલી સવારે સર્જાયેલ કાર-બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક પર પાછળ બેઠેલ શખ્સનું મોત

ગાંધીનગર:જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે ત્યારે આજે સવારે બહિયલમાં સર્જાયેલા કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું. ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બહિયલ ખાતે રહેતા અને ખેતી સાથે સંકળાયેલા રૃપાભાઈ જાગાભાઈ ભરવાડે ફરીયાદ નોંધાવી હતી કે આજે સવારે ગામમાં રહેતા સાબીરભાઈ રસુલભાઈ સીપાઈએ ફોન કરીને ઈસનપુર ડોડીયા ખાતે ખેતીનું કામ કરવા જવા કહયું હતું. જેથી રૃપાભાઈ બાઈક લઈને બહિયલ ભાગોળમાંથી સાબીરભાઈને બેસાડી ઈસનપુર ડોડીયા ખાતે જઈ રહયા હતા તે દરમ્યાન બહિયલ ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલના બ્રીજના છેડે પુરઝડપે આવી રહેલી કારે તેમના બાઈકને અડફેટે લીધું હતું જેના કારણે તેઓ બન્ને નીચે પટકાયા હતા અને કારચાલક કાર મુકીને નાસી ગયો હતો. તેમના ભાઈઓ ત્યાં પહોંચ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં તે સ્થળ ઉપર પહોંચી હતી. જયાં ગંભીર ઈજાઓના કારણે સાબીરભાઈને મૃત જાહેર કર્યા હતા જયારે રૃપાભાઈને સારવાર માટે દહેગામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઘટના અંગે દહેગામ પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. 

(4:40 pm IST)