Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજકોટમાં કેન્દ્રના પૂરાતત્વ વિભાગનું અલગ ડીવીઝન શરૃઃ ૪૪ જેટલા રક્ષિત સ્મારકોની જાળવણી થશેઃ વડોદરાથી કચેરી અલગ પડી...

સૌરાષ્ટ્ર-કચ્છનું મેઇન સેન્ટર વિજયભાઇની ઇચ્છા મુજબ રાજકોટને ફાળવાયું: રપનો ફિલ્ડ સ્ટાફ... : રાજકોટના ઢાંકની બોધ્ધ ગુફા -દ્વારકાધીશ- ધોળાવીરા -જૂનાગઢ બોધ્ધગુફા -અશોક-શિલાલેખ ગાંધીજીનું જન્મ સ્થાન સહિત કુલ ૪૪ સ્મારકો : રાજકોટની જૂની કલેકટર કચેરી ખાતે શરૂ : નવી જગ્યા માટે કલેકટર પાસે જગ્યા માંગશે વાવાઝોડાની હાલ ૪૪ સ્મારકો ઉપર કોઇ અસર નથી...

રાજકોટ તા.૮ : રાજકોટની ઢાંક સહિત સમગ્ર ગુજરાતમાં કેન્દ્રની પુરાતત્વ ખાતા હસ્તક દિવ-દમણ સહિત ગુજરાતમાં કુલ ર૧૪ જેટલા ઐતિહાસિક-જોવા લાયક રક્ષિત સ્મારકો ચાલેલા છે.

જેની જાળવણી-સાફ સફાઇ સહિતની કામગીરી વડોદરામાં આવેલ એકમાત્ર કેન્દ્રની પુરાતત્વ કચેરી દ્વારા થઇ રહી હતી., પરંતુ સ્ટાફના અભાવે ભારે મૂશ્કેલી અનુભવાતી હતી, દરમિયાન રાજયના મૂખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની એવી પ્રગાઢ ઇચ્છા હતી કે વડોદરા કચેરીનું બાયફરકેશન કરી રાજકોટને અલગથી આખા સૌરાષ્ટ્ર-કચ્છ માટે ડિવીઝન અપાય, અને આ ઇચ્છા ફળીભૂત થઇ છે, કેન્દ્રની સાંસ્કૃતિક વિભાગે રાજકોટને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લામાં આવેલા કેન્દ્ર સરકાર હસ્તકના કુલ ૪૪ જેટલા રમણીય-ઐતિહાસિક-જોવા લાયક અને દેશ-વિદેશના પર્યટકોમાં અત્યંત આકર્ષિત બનેલા સ્મારકોની જાળવણી માટે અલગથી ડિવીઝન કચેરી મંજુર કરી દેતા, આ કચેરી રાજકોટની જૂની કલેકટર કચેરીમાં આવેલ કેન્ટીનમાં ૧ મહિનાથી કાર્યરત બની ગઇ છે.

આ કચેરીમાં હવે સુપ્રિ. ઓફ પુરાતત્વવિદ, સર્વેયર સહિત કુલ ૮ નો સ્ટાફ કાર્યરત બન્યો છે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલા ૪૪ સ્મારકો માટે રપનો ફિલ્ડ સ્ટાફ પણ મૂકી દેવાયો છે.

આજે મુલાકાત સમયે અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે, રાજકોટ ડીવીઝન હેઠળ હવે મોરબી, સુરેન્દ્રનગર, હળવદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છને આવરી લેવાયા છે, અને કુલ ૪૪ સ્મારકોમાંથી વિખ્યાત રાજકોટના ઢાંકની બોધ્ધગૂફા, વિશ્વ વિખ્યાત દ્વારકાધીશ મંદિર, ગાંધીજીનું જન્મ સ્થળ - કિર્તી મંદિરનો અમૂક ભાગ, તળાજાની ગૂફાઓ, ધોળા-વીરા જુનાગઢની બોધ્ધગુફા, અશોક શીલાલેખ સહિત કુલ ૪૪ સ્મારકોની જાળવણી રાજકોટની મેઇન કચેરીએથી થશે.

કેન્દ્રની આ કચેરી હેઠળ જુનાગઢ, દ્વારકા, ભૂજની પણ કચેરીઓ આવેલી છે, પરંતુ રાજકોટ મેઇન રહેશે.

સાધનોએ ઉમેર્યુ હતું કે રાજકોટ - સૌરાષ્ટ્ર-કચ્છના આ ૪૪ સ્મારકોની મુલાકાતે પર્યટકો જવા માંગતા હોય તો તેમણે વડોદરા કચેરીએ જવાને બદલે રાજકોટ કચેરીમાં સંપર્ક કરશે તો તેમને નજીક પણ પડશે, અને સીધુ માર્ગદર્શન મળી રહેશે.

રાજકોટની કચેરી દ્વારા હવે નવી જગ્યા અંગે કલેકટર સમક્ષ ડીમાન્ડ પણ કરનાર છે, રાજકોટના અધિકારીઓ આ પહેલા એડી. કલેકટરને પણ મળ્યા હતાં. તાજેતરના વાવાઝોડામાં સૌરાષ્ટ્ર-કચ્છના આ ૪૪ માંથી કોઇ સ્મારકને નુકશાન કે કેમ તે અંગે અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે એક પણ સ્મારકને નુકશાન નથી, અને હાલના આ સ્મારકોમાં ડેવલપમેન્ટ અંગે વડી કચેરીએથી આદેશ બાદ કાર્યવાહી થશે.

(3:15 pm IST)