Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

૧૦ હજારથી ઓછી આવક ધરાવતા હજારો અસંગઠિત શ્રમિકો માટે ફરી યુ-વીન કાર્ડ યોજના શરૂ : હવે ઓનલાઇન પણ રજીસ્ટ્રેશન

મુખ્યમંત્રીએ પોર્ટલ ઇ-નિર્માણનું લોન્ચિંગ કર્યું : ૨૦૧૫થી આજ સુધીમાં ૯.૨૦ લાખ કામદારો નોંધાયા છે : રાજકોટ સહિત ૩૩ જિલ્લાના ૨૧૨૯૦ કોમન સર્વિસ સેન્ટર ઉપર કામદારો રજીસ્ટ્રેશન કરાવશે તેને યુ-વીન કાર્ડ અપાશે : આ યોજના યુ-વીન કાર્ડથી પ્રસુતિ સહાયમાં ૨૭૫૦૦ - અંત્યેષ્ઠી સહાય - ૭ હજાર - અકસ્માતે અવસાન થાય તો ૩ લાખ - ખેત મજૂર સહાય ઉપરાંત આવાસ યોજના માટે ૧ લાખ ૬ હજાર - શિક્ષણ માટે ૭ાા થી ૧૫ હજારની સહાય : કામદારોને આધાર કાર્ડ - બેંક ખાતાની વિગતો - મોબાઇલ નંબર - રેશનકાર્ડ - આવકનો દાખલો સહિતના જરૂરી પુરાવા આપવાના રહેશે

રાજકોટ તા. ૮ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અસંગઠિત ક્ષેત્ર -અનઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકો, બાંધકામ શ્રમિકો ની ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલ  ઇ - નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ ગાંધીનગરમાં કર્યું છે.

રાજયના શ્રમ રોજગાર વિભાગ દ્વારા ૨૦૧૫ના વર્ષથી અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી કરી યુ વિન કાર્ડ આપવાની યોજના માં ૯.૨૦ લાખ અસંગઠિત કામદારો નોંધાયા છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ આવા શ્રમયોગીઓના શ્રમનો -પરિશ્રમનો મહિમા કરતાં અને રાજયની અવિરત વિકાસ યાત્રામાં આવા અદના માનવીઓ ના યોગદાન  પ્રત્યેની સંવેદનશીલતારૂપે આ નવતર પહેલ ગુજરાતમાં કરવા માટે શ્રમ રોજગાર વિભાગને પ્રેરિત કરેલો છે

શ્રમયોગીઓને પોતાનો રોજ એટલે કે કામનો દિવસ પાડીને, કામ છોડીને આવા યુ-વિન કાર્ડ અંગેની નોંધણી માટે સરકારી કચેરીએ જવું ન પડે તેવી  શ્રમયોગી કલ્યાણ સંવેદના દર્શાવીને મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ  હવે ગુજરાતમાં આ નવતર અભિગમ અપનાવી ને ઓનલાઇન અને  પોર્ટલ પર  તેમજ કોમન સર્વિસ સેન્ટર દ્વારા  આવા અસંગઠિત શ્રમિકો ની નોંધણી સરળ બનાવી છે

અસંગઠિત ક્ષેત્રના કામદારોની હવે તેમના કાર્ય વિસ્તાર કે રહેઠાણના સ્થળે જ કેમ્પ યોજીને કોમન સર્વિસ સેન્ટર દ્વારા નોંધણી થશે આવા કામદારોને તેમની ઓળખના આધારકાર્ડ, બેંક ખાતાની વિગતો, મોબાઇલ નંબર,રેશનકાર્ડ અથવા આવક પ્રમાણપત્ર જેવા જરૂરી પુરાવા અને દસ્તાવેજોના આધારે ચકાસણી કરીને સ્થળ પર જ ઓનલાઇન યુ-વીન કાર્ડ કોમન સર્વિસ સેન્ટર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવશે.

યુ-વિન કાર્ડ ધરાવનારા આ  અસંગઠિત કામદારોને પણ અગાઉ લાભ મેળવતા આ ક્ષેત્રના કામદારો ને મળે છે  તેમ જ મા અમૃતમ, અકસ્માત વીમા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના જેવી યોજનાઓના લાભ મળી શકશે.

એટલું જ નહિ આવા  અસંગઠિત કામદારો નો ડેટા  બેઇઝ આ નોંધણી થી સરળતા એ ઉપલબ્ધ થવાથી ભવિષ્યમાં તેમને લગતી ભાવિ યોજનાઓ  બનાવવામાં  પણ સુગમતા રહેશે.બાંધકામ શ્રમયોગી ઓ માટે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાનો લાભ લેવા માટે પણ હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની  શ્રમયોગી કલ્યાણ ભાવનાથી નવી દિશા ખુલી છે.અત્યાર સુધી આ બોર્ડની ૩૩ જિલ્લા કચેરીએ થતી નોંધણી હવે રાજયના શહેરો અને ગામડાઓમાં પથરાયેલા ૨૧૨૯૦ જેટલા કોમન સર્વિસ સેન્ટર પર ઘર આંગણે થઈ શકશે. આવા સર્વિસ સેન્ટર દ્વારા  શ્રમયોગીઓને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે.રાજયમાં વધુને વધુ બાંધકામ શ્રમિકોને યોજનાકીય લાભ આપવા અને  શ્રમયોગી ઓની ગ્રામ્ય સ્તરે પણ નોંધણી થઇ શકે તેવા શ્રમયોગી કલ્યાણ ભાવ સાથે શ્રી વિજયભાઈ રૂપાણીએ ઈ- નિર્માણ પોર્ટલનું  અને મોબાઈલ એપનું લોંચીંગ કર્યું હતું.

આ પોર્ટલ અને મોબાઈલ એપ યુઝર ફ્રેન્ડલી અને શ્રમિકો ને સરળ સમજ આપતી એપ બનાવવામાં આવેલી છે .

આના પરિણામે હવે શ્રમયોગીઓ નો ડેટાનું રિયલ ટાઇમ મોનીટરીંગ થઈ શકશે.આ ઇ નિર્માણ  પોર્ટલનું જોડાણ સી એમ ડેશ બોર્ડ સાથે પણ કરવામાં આવેલું છે.રાજયમાં અસંગઠિત કામદારોમાં ઘરેલું કામ કરતા શ્રમયોગીઓ તથા મહિને રૂ ૧૦ હજારથી ઓછી આવક ધરાવતાં સ્વરોજગાર મેળવતા અને વેતન મેળવતા શ્રમયોગીઓનો સમાવેશ થાય છે.આ લોન્ચિંગ અવસરે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર ની ઉપસ્થિતિમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી બોર્ડ તથા કોમન સર્વિસ સેન્ટર વચ્ચે તેમજ શ્રમ નિયામક અને કોમન સર્વિસ સેન્ટરના સી.ઈ.ઓ. વચ્ચે આ ઓન લાઈન નોંધણી માં સહયોગ અંગેના એમ.ઓ.યુ.નું આદાન પ્રદાન પણ કરવામાં આવ્યું હતું.

શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને શ્રમ નિયામક આલોક પાંડે સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ અવસરે ગાંધીનગરમાં તેમજ જિલ્લા મથકોએ ઉપસ્થિત રહ્યા હતા.

દરમિયાન આજે કલેકટર કચેરી ખાતે લેબર ઓફિસર કલ્પેશ પંડયાએ જણાવ્યું હતું કે આ યુ-વીન યોજનામાં અસંગઠીત શ્રમિકો કે જેમાં બાંધકામ, ઘરેલુ, શાકભાજી વેચતા લોકો, ખેતમજૂર વિગેરે આવી જાય છે. આ લોકો ઓનલાઇન કે જિલ્લાના કોઇપણ સીસીસી કેન્દ્ર ઉપર તમામ આધાર-પુરાવા સાથે રજીસ્ટ્રેશન કરાવશે એટલે તેમને યુ-વીન કાર્ડ આપી દેવાશે. આ યુ-વીન કાર્ડને કારણે આ અસંગઠિત શ્રમિકોને પ્રસુતિ સહાય-૨૭૫૦૦, મૃત્યુ પામ્યા હોય તેની અંતિમવિધિ માટે ૭ હજારની સહાય, અકસ્માતે મૃત્યુ પામનારને ૩ લાખ, આવાસ યોજના માટે ૧ લાખ ૬ હજાર, શિક્ષણ માટે ૭ાા થી ૧૫ હજારની સહાય મળે છે.

આજ સુધીમાં રાજકોટ શહેર - જિલ્લામાં ૨૪ હજાર શ્રમિકો નોંધાયેલા છે, સહાય માટે આ કામદારોએ જિલ્લા સેવા સદન-૩માં આવેલ બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરીનો સંપર્ક કરવાનો રહે છે, ગુજરાત સરકારની આ એક અત્યંત મહત્વની યોજના છે.

(3:15 pm IST)