Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર દેશનો પહેલો ઇલેકટ્રીક વ્હીકલ સીટી બનશે

નરેન્દ્રભાઇએ અહિં બેટરી સંચાલીત વાહનો ચલાવાની જાહેરાત કરી છેઃ મહિલાઓ- સ્થાનીકોને પ્રાથમીકતા અપાશે : કોરોનાના કારણે બંધ રહેલ વિશ્વની અજાયબીને આજથી પર્યટકો માટે ફરી ખુલ્લી મુકાઇ

અમદાવાદઃ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર દેશનો પહેલો ઇલેકટ્રીક વ્હીકલ સીટી વાળો બનશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇએ આ જાહેરાત કરતા જણાવેલ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીવાળા સુંદર કેવડીયા શહેરને ઇલેકટ્રીક વ્હીલ સીટી રૂપે વિકસીત કરવાનું કામ ચાલી રહયું છે. અહિં બેટરી આધારીત બસ, ટુ વ્હીલર અને ફોર વ્હીલર પણ ચાલશે. જેના માટે ત્યાં જરૂરી ઇન્ફાસ્ટ્રકચર પણ ઉપલબ્ધ કરાવાશે. જાહેરાત બાદ એસઓયુએડીટીજીએએ જણાવેલ કે યોજનાને તબકકાવાર લાગુ કરાશે. જાહેર કરાયેલ વિસ્તારમાં ફકત એ જ વાહનો ચાલશે. પર્યટકોની બસ પણ ડીઝલને બદલે ઇલેકટ્રીક હશે.

ઇ-રીક્ષા ચલાવનાર કંપનીઓને આ વિસ્તારમાં ઓછામાં ઓછી ૫૦ ઇ-રીક્ષા ચલાવાની રહેશે. જેમાં મહિલાઓની સાથે સ્થાનીક ચાલકોને પ્રાથમીકતા અપાશે. મહિલા ચાલકો માટે કેવડીયામાં કૌશલ વિકાસ સેન્ટરમાં વાહન ચલાવવા નિઃશુલ્ક ટ્રેનીંગ અપાશે.  ઉપરાંત ઇલેકટ્રીક વાહનોના રખરખાવ વર્કશોપ અને ચાર્જીંગ સ્ટેશન પણ વિકસાવાશે.

જયારે ટુ વ્હીલર વાહનો માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ (જીઇડીએ) તરફથી આર્થીક મદદ ઉપરાંત એસઓયુડીટીજીએ વતી સબસીડી પણ અપાશે. લાભાર્થીઓએ આ વિસ્તારમાં પેટ્રોલ ડીઝલ વાહન ન ચલાવાનું આશ્વાસન આપવાનું રહેશે.

૨૦૧૮માં મોદીએ લોકાપર્ણ કર્યા બાદ આ વર્ષના માર્ચ સુધીમાં ૫૦ લાખ પર્યટકો આવી ચુકયા છે. આ પ્રતિમાને વિશ્વની અજાયબીમાં પણ સામેલ કરવામાં આવી ચુકી છે.

૧૮૨ મીટરની ઉંચાઇ ધરાવતી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા  સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી ફરી પર્યટકો માટે ખુલ્લી મુકવામાં આવી છે. કોરોનાને લીધે છેલ્લા ૨૦ દિવસથી બંધ હતી. ઉપરાંત સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, ટેન્ટ સીટી પણ ખોલવામાં આવ્યા છે.

(1:08 pm IST)