Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કરોડોની ખંડણી માટે અપહરણ કરાયેલ વલસાડ પંથકના બિલ્ડર જીતુભાઈ પટેલને એક રૂપિયો આપ્યા વગર છોડાવી ભારતભરમાં ઇતિહાસ સર્જનાર ટીમને ૧૦ લાખનું ઈનામ

૫ાંચ વર્ષમાં ૫૦૦ કરોડની ખંડણી ઉઘરાવી, દેશની કોઈ પોલીસના હાથે ન ઝડપાયેલ કુખ્યાત ગેંગ પાસેથી મહારાષ્ટ્ર પહોંચી સોનાર ગેંગે ને ઝડપી લેનાર સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન અને વલસાડ એસપી ડો. રાજદીપસિહ ઝાલા સહિતના અધિકારી સ્ટાફ માટે ગૃહમંત્રાલય દ્વારા મહત્વની જાહેરાત : સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન એક લાખ ૫ હજારનું ઇનામ અને વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલા દ્વારા ૯૫ હજારના ઇનામની રકમ કોરોના મહામારીમાં લોક કલ્યાણ માટે ઇનામની રકમ મુખ્યમંત્રી ફંડમા આપવાની જાહેરાતઃ પ્રેરક પગલાં અંગે બન્ને અધિકારી પર અભિનંદન વર્ષા : વાપીના ડીવાયએસપી વી.એમ.જાડેજા, સુરત ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર.આર.સરવૈયા, નવસારી ડીવાયએસપી એસ.જી. રાણા, મૂળ રાજકોટના વતની એવા વલસાડ એસઓપી પીઆઇ વી.બી.બારડ સહિત ૪૧ જેટલા અધિકારીઓ અને સ્ટાફને રોકડ રકમ અને પ્રશંસા પત્ર અર્પણ, અનેરી ઘટના

રાજકોટ તા.૮, ૫ વર્ષમાં ૫૦૦ કરોડની ખંડણી ઉઘરાવનાર દેશની કુખ્યાત સોનાર ગેંગ અંગે તમામ રાજ્યોની પોલીસ ખાનગીમાં એવું  મંતવ્ય ધરાવે છે કે જેમને પકડવી મુશ્કેલ નહિ,અશકય છે તેવી ગેંગને ખુંખાર ગેંગ પાસેથી કરોડોની ખંડણી માટે અપહરણ કરાયેલ આરોપીને એક રૂપિયાની ખંડણી વગર છોડાવનાર સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન અને વલસાડ એસપીના સીધી દોરવણી હેઠળ કામગીરી કરનાર સુરત અને વાપી ,વલસાડ વિગેરે પોલીસ અધિકારીઓ અને સ્ટાફને દસ લાખના ઇનામની અંતે સતાવાર જાહેરાત ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. આ સમાચાર સાથે જેમને એક લાખ ૫ હજારનું ઇનામ મળેલ છે તેવા તથા ૯૫ હજારનું ઇનામ મેળવનાર અનુક્રમે સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન અને વલસાડ એસપી ડો. રાજદીપ સિહ ઝાલા દ્વારા ઇનામની રકમ મુખ્યમંત્રી ફૂંડમાં આપવાની જાહેરાત કરી છે. 

ઉકત બાબતે 'અકિલા' સાથેની વાતચીતમાં સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન અને વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલા દ્વારા જણાવાયેલ કે, સરકાર દ્વારા હર હંમેશ માટે અમારા કામ માટે પૂરતો પગાર સહિત સુવિધા આપવા સાથે, હર હંમેશ અમારી કામગીરીની સરાહના કરી પ્રસંશાપત્રો તથા રોકડ ઇનામ આપવામાં આવે છે ત્યારે હાલની પરિસ્થતિ એવી છે કે કોરોના મહામારીમાં બધી રીતે સરકાર લોકો માટે ઝઝુમી રહી છે, લોકોની સુખાકારી માટે સ્વાભાવિક રોકડ રકમ જરૂરી છે,. આવા સમયે એક નાગરિક અને વિશેષ જવાબદાર નાગરિક તરીકે સરકારની પડખે ઊભા રહી ફૂલ નહીતો ફૂલ પાંખડી રૂપે અમારો ફાળો આપવો ખૂબ જરૂરી છે,અત્રે યાદ રહે કે આજ રીતે ગોંડલ ડીવાયએસપી પ્રતિપાલ સિહ ઝાલા દ્વારા પણ ૫૧હાજર મુખ્ય મંત્રી ફંડના અપાયા છે.

  વલસાડ જિલ્લાના ઉમરગાવ ખાતે રહેતા બિલ્ડર શ્રી જીતુભાઈ મણીલાલ પટેલનુંઅજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવેલ અપહરણ સંબંધે સુરત વિભાગના અધિકારીઓ સહીત વલસાડ જીલ્લા પોલીસ, સુરત શહેર ક્રાઇમ બ્રાંચ, એસઓજી તથા એટીએસના અધિકારી/કર્મચારીઓ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના પોલીસના સંકલનથી આ બનાવની તપાસમાં રાત-દિવસ સતત ખંત અને મહેનત કરી, આ કામના કુલ-૭ આરોપીઓને મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી મુદ્દામાલ સહિત . પકડી પાડી, અપહરણ થયેલ બિલ્ડર શ્રી જીતુભાઇ પટેલને હેમખેમ એક પણ રૂપીયો આપ્યા વિના સલામત રીતે છોડાવવા અંગેની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા બદલ ઇનામ આપવાની પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા  પોલીસ અધિકારી/ અને સ્ટાફને રોકડ ઈનામ આપવાની જાહેરાત થઈ છે.

અત્રે યાદ રહે કે સુરતમાં ગરીબ મજૂરો પર હિટ એન્ડ રનની ઘટનામાં એ ગરીબ મજૂરો માટે મોટી રકમ એકઠી કરી સુરતના કામરેજના વિભાગીય વડા ચંદ્રરાજસિહ જાડેજા દ્વારા મારફત તેમના વતન પહોંચાડવામાં પણ સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયને મહત્વની ભૂમિકા ભજવી હતી.

(1:07 pm IST)