Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ભરતસિંહ સોલંકીને AICCની બોડીમાં જવાની ઇચ્છાઃ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે અર્જુનભાઇ મોઢવાડીયાનું નામ જોરમાં

'બાપુ'ની ઘર વાપસીની ભારે ચર્ચા, પરંતુ હાઇકમાન્ડ હાલ તો આ મામલે કોઇ નિર્ણય લ્યે તેવી શકયતા નહિવત : વિપક્ષી નેતા પદે જો સૌરાષ્ટ્રના ફાળે આવે તો પુંજાભાઇ વંશ કે શૈલેષ પરમાર ઉપર પસંદગી ?

રાજકોટઃ ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અનેે વિપક્ષી નેતા પદ માટેની ગતિવિધિ ફરી તેજ બની છે. લોબિંગ શરૂ થયું છે. હજુ નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા પદની નિયુકિત થઇ નથી. ત્યાં અંદરખાને વિવિધ સમાજના આગેવાનોની ખાનગી બેઠક પણ મળી હોવાનું જાણવા મળે છે.

ચર્ચાતી વિગતો મુજબ ભરતસિંહ સોલંકીને  કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે, પરંતુ અંદરખાને એવુ જાણવા મળે છે કે સ્વ. અહેમદભાઇ પટેલના નિધન બાદ AICC માં તેઓની જગ્યા ખાલી છે. તેઓ પ્રદેશ પ્રમુખ બનવા અનિચ્છા ધરાવે છે. જેથી તેના વિકલ્પ રૂપે અર્જુનભાઇ મોઢવાડીયાને પ્રદેશ પ્રમુખ બનવાની શકયતા સબળી બની છે. પરંતુ હાલ તો ભરતસિંહ અને અર્જુનભાઇના નામની ભારે ચર્ચા છે. એ પણ જાણવા મળ્યુ છે કે ભરતસિંહ સોલંકી હાલ દિલ્હી છે.

એવી પણ ચર્ચા છે કે પ્રદેશ પ્રમુખ પદ માટે શકિતસિંહ ગોહીલનું નામ પણ રેસમાં હતુ પરંતુ તેઓએ વિનમ્રપૂર્વક આ પદ માટે અનિચ્છા દર્શાવી હતી. આમ અર્જુનભાઇ મોઢવાડીયાને પ્રમુખ પદનો કાર્યભાર સોંપવામાં આવે તેવી પુરેપુરી શકયતા છે.

 જયારે વિધાનસભામાં વિપક્ષી નેતા પદ જો સૌરાષ્ટ્રના ફાળે આવે તો તેમાં પુંજાભાઇ વંશ અને શૈલેષ પરમારના નામની ભારે ચર્ચા છે. આ બંને કોંગી નેતાઓમાંથી કોઇપણ એક ઉપર પસંદગી થાય તેવુ મનાઇ રહયું છે.

દરમિયાન આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોય શંકરસિંહ વાઘેલાની ઘરવાપસી થાય તેવી ચર્ચાએ પણ ભારે જોર પકડયું છે. હાલ શંકરસિંહ વાવાઝોડા અસરગ્રસ્ત ગામોની મુલાકાતે છે. આ વેળાએ કોંગીના નેતાઓ પણ તેમની સાથે હોવાનું જાણવા મળે છે.

'બાપુ'ની ઘરવાપસી થઇ રહયાની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસના અંગત સુત્રોમાંથી વિગતો મળી રહી છે કે હાઇકમાન્ડ શંકરસિંહને હાલમાં તો કોંગ્રેસમાં ફરીથી નહિ સ્વીકારે. ગુજરાતના અમુક નેતાઓ પણ તેનાથી નારાજ હોવાનું મનાય છે.

(1:07 pm IST)