Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કોરોનામાં ટ્રાન્સપોર્ટના કામકાજ ૫૦ ટકા થઇ જતા ઘણાએ ટ્રકો વેચી દીધા

સુરતમાં ટ્રાન્સપોર્ટસે મોટો ધંધો ગુમાવ્યોઃ હાલમાં રોજ માંડ ૩૫-૪૦ ટ્રકો રવાના થાય છેઃ જોકે, ભાડામાં માંડ પાંચ ટકા ઘટાડો

સુરત, તા.૮: કોરોના મહામારીના સેકન્ડ વેવમાં ઘણાં ધંધા-રોજગાર વેપારને મોટી અસર થઇ છે. ટેકસ્ટાઇલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટના વ્યવસાયીઓને પણ મોટો ફટકો આ સમયગાળા દરમિયાન પડયો છે. મોટાભાગના ટ્રાન્સપોર્ટનો ધંધો અડધો થઈ ગયો છે. વધારાના ગોડાઉનો કામકાજ માટે ભાડાનાં હતાં, તે અડધાં કરી દીધા છે. તો ઘણાએ ટ્રકો વેચી દીધી છે.

ઉમરવાડા, ભાઠેના અને આસપાસના વિસ્તારોમાંથી બહુધા ટ્રાન્સપોર્ટર્સ સારોલી વિસ્તારમાં શિફ્ટ કરી ગયાં છે. સારોલી વિસ્તારમાં દરેક પોકેટસ્માં ૨૦ ટકા ગોડાઉન ખાલી જોવા મળશે. કેમકે ભાડું પણ ભરવું પડે છે. કામકાજ ઘટતા આ વિસ્તારમાં ઘણાં ટ્રાન્સપોર્ટર્સના ગોડાઉનો ખાલી છે. સ્થાનિક ટ્રાન્સપોર્ટર્સ ગોડાઉનમાં બે-ત્રણ દિવસ પાર્સલો ભેગાં થઈ ત્યારે ગાડી ઉપાડે છે. બહારગામના ટ્રાન્સપોર્ટર્સને ત્યાં પણ માલ પડયો છે. તેઓના ગોડાઉન ફુલ છે.

આ વખતે લગ્નસરાની સિઝન બરાબર રહી નહીં, સંખ્યાબંધ લોકોએ લગ્ન કેન્સલ કર્યા, પોસ્ટપોન્ડ પણ કર્યા તેની આ અસર છે, એમ ટેકસ્ટાઇલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસો.ના યુવરાજ દેશલેએ જણાવ્યું હતું. ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા ૫થી ૧૦ ટકાએ પોતાનો વ્યવસાય બંધ કર્યાનું અનુમાન છે. જોકે સાચી હકીકત તો બહારગામની મંડી શરૂ થતાં, ખબર પડશે. હાલમાં રોજની માંડ ૩૫=૪૦ ટ્રકો રવાના થઇ રહી છે.

દક્ષિણના રાજયો સાથે કામકાજ કરતા અન્ય એક ટ્રાન્સપોર્ટર્સે જણાવ્યું કે, કામકાજ ઘટયું છે તેને કારણે દ્યણાં ટ્રાન્સપોર્ટર્સે પોતાની ટ્રકો વેચી નાંખી છે. જોકે, આમછતાં ટ્રકોના ભાડામાં કોઈ મોટો દ્યટાડો થયો નથી. માંડ ૫ ટકા ઓછાં થયાં છે. મહામારીને કારણે ટ્રાન્સપોર્ટર્સને મોટું આર્થિક નુકસાન થયું છે. ગોડાઉનના ભાડાં, સ્ટાફના ખર્ચા અને મેઇન્ટેનન્સ, ધંધો નહિ હોવા છતાં ચૂકવવાના આવ્યાં છે.

(11:13 am IST)