Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સુરતમાં AAP દ્વારા ભાજપ સામે છેડાયું "ખાડી સફાઈ યુદ્ધ" : સ્ટેન્ડિંગ સમિતિ બહાર ભારે સૂત્રોચ્ચાર કર્યા

આપ દ્વારા ભાજપના શાસકો ગોબરદાસ હોવાના પોસ્ટરો પણ લાગવાયા

સુરત શહેરમાં ખાડી સફાઈ મામલે હવે આપ (AAP) પાર્ટીનો વિરોધ પુરજોશમાં વધી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી વિપક્ષમાં બેસેલી આમ આદમી પાર્ટી દ્વારા ખાડીઓની સફાઈ કરવામાં આવી રહી છે. આપ દ્વારા ભાજપના શાસકો ગોબરદાસ હોવાના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે આજે ખાડી સફાઈ મામલે આપ દ્વારા મનપા કચેરી પર વિરોધ વ્યક્ત કરાયો હતો.

છેલ્લા એપ્રિલ મહિનાથી ખાડીઓની સફાઈ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિવેડો નહીં આવતા આમ આદમી પાર્ટીના નગરસેવકો જાતે જ ખાડી સફાઈ માટે ઉતર્યા હતા. પાંચ દિવસથી કોર્પોરેટરો દ્વારા ખાડી સફાઈ કરવામાં આવી હતી. જ્યારે આજ રોજ આપના નગરસેવકો દ્વારા સ્ટેન્ડિંગ સમિતિ ઓફિસની બહાર ધરણા પર બેસી જઈ સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ચોમાસુ માથે છે ત્યારે વરાછા સહિત વિવિધ ખાડીઓની સફાઈ થઈ શકી નથી. દર વર્ષે ચોમાસાની સીઝનમાં વરાછા, લીંબાયત, ઉધના ઝોનમાંથી પસાર થતી ખાડીઓમાં ખાડી પુરની સ્થિતિ ઉદભવે છે. આપના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે સ્માર્ટ સિટીની વાતો વચ્ચે ગંદકીથી ઉભરાતી ખાડીઓ સુરત માટે શરમ ઉભી કરે છે. અવારનવાર આ મામલે તેઓ રજુઆત કરી ચુક્યા છે પણ બે મહિના બાદ સામે ચોમાસે આવે નિરાકરણ નહીં આવતા આજે આપ દ્વારા સ્ટેન્ડિંગ સમિતિ ઓફિસ બહાર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો

(9:59 am IST)