Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 અને ધો.10ના પરિણામને લઈને કેટલીક સૂચનાઓ જારી

ધો.12ના વિદ્યાર્થીઓની ધો.10ની માર્કશીટ, ધો.11ના પરિણામની નકલ અને ધો.12ની સામયિક અને એકમ કસોટીના આધારોનું વેરિફિકેશન કરવું પડશે

અમદાવાદ :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 અને ધો.10ના પરિણામને લઈને કેટલીક સૂચનાઓ જારી કરી છે. તે પ્રમાણે ધો.12ના વિદ્યાર્થીઓની ધો.10ની માર્કશીટ, ધો.11ના પરિણામની નકલ અને ધો.12ની સામયિક અને એકમ કસોટીના આધારોનું વેરિફિકેશન કરવા માટે DEOને સૂચના આપી છે. ઉપરાંત ધો.10ના પરિણામને લઈ વિદ્યાર્થીઓના ધો.9ના પરિણામની નકલ અને એકમ કસોટી અને સામયિક કસોટીના આધારોની ચકાસણી કરવા માટે પણ જણાવાયું છે. તેમજ વિદ્યાર્થીના પ્રવેશ અંગેના આધારોની પણ તપાસ કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર કરી રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો વધવાના કારણે રાજ્ય સરકાર દ્વારા ધો.10, ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા જે 10 મેથી 15 મે સુધી યોજાનાર હતી તે સ્થગિત રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા 13 એપ્રિલે ધો.10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાનો નિર્ણય લીધો હતો અને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવા માટેની નિતી માટે સમિતિની રચના કરી હતી.

આ સમિતિ દ્વારા રાજ્ય સરકારને અહેવાલ રજૂ કર્યો હતો, જેની ભલામણોને રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરાયો હતો. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી હતી.

5 જૂનના રોજ બાયસેગના માધ્યમથી તમામ શાળાના આચાર્યો, શિક્ષકો અને વહીવટી કર્મચારીઓને પરિણામ તૈયાર કરવાની સમજ આપવામાં આવી હતી. પરિણામ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાનારા તમામ આધારોનું જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પ્રતિનિધિ મારફતે વેરિફિકેશન કરવા અંગે પરિપત્રમાં અને બાયસેગના માધ્યમથી મૌખિક જાણકારી આપવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લા કક્ષાએ યોગ્ય ટીમોની રચના કરી વિવિધ આધારોની ચકાસણી કરવાની રહેશે તેવી સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે. જે આધારોની ચકાસણી કરવામાં આવનારી છે તેમાં શાળા દ્વારા ધો.10 અને ધો.12ની બોર્ડની જાહેર પરીક્ષામાં મોકલાવેલા ઉમેદવારોના પ્રવેશ, જે શાળામાંથી ધો.9, 10 કે ધો.11માંથી રજૂ કરેલા શાળા છોડ્યાના પ્રમાણપત્ર, જનરલ રજિસ્ટર નોંધ ચકાસીને પ્રવેશની યોગ્યતા ચકાસવાની રહેશે.

શાળા દ્વારા ધો.10ની બોર્ડની જાહેર પરીક્ષામાં મોકલાવેલા ઉમેદવારોના ધો.9ના પરિણામની નકલ અને ધો.10ની સામયિક કસોટી અને એકમ કસોટીના આધારોનું વેરિફિકેશન કરવાનું રહેશે.

શાળા દ્વારા ધો.12ની બોર્ડની જાહેર પરીક્ષામાં મોકલેલા વિદ્યાર્થીઓના ધો.10ના બોર્ડના પરિણામ, ધો.11ના પરિણામની નકલ અને ધો.12ની સામયિક અને એકમ કસોટીના આધારોનું વેરિફિકેશન કરવા માટે DEOને સૂચના આપવામાં આવી છે.

પરિણામ તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધેલા તમામ આધારો જેવા કે સામયિક કસોટીના પ્રશ્નપત્રો, એકમ કસોટીના પ્રશ્નપત્રો, વિદ્યાર્થીએ આપેલા ઉત્તરોની નોંધ અથવા તો ઉત્તરવહી, એસાઈન્ટમેન્ટ વર્ક વગેરેની ચકાસણી કરવાની રહેશે.

આમ, વેરિફિકેશન કરેલા તમામ આધારો ઉપર વેરિફિકેશન કરનારા પ્રતિનિધિની સહી, નામ, હોદ્દો અને તારીખ દર્શાવવાની રહેશે. શાળા પાસેથી આ તમામ આધારોની એક નકલ પ્રતિનિધિએ મેળવી લેવાની રહેશે. આ કામગીરી 10 જૂન સુધીમાં પૂર્ણ કરવા માટે પણ બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે.

(11:19 pm IST)