Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં વિકાસના કામમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપ : તંત્ર ક્યારે તપાસ કરશે.?

ગામમાં રોડ અને નાળાના કામમાં ગુણવત્તા જળવાઈ નથી: જીયોરપાટી ગ્રામજનોની રજુઆત: નાંદોદ તા.પં ન્યાય સમિતિ અધ્યક્ષને સરપંચે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની TDO ને લેખિત ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વિકાસના કામો કરવામાં આવે છે પરંતુ જે તે ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોમાં બિલકુલ ગુણવત્તા જળવાતી ન હોવાની ફરિયાદો અવાર નવાર ઊઠી છે. ત્યારે નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં રોડ અને નાળાના કામો ગુણવત્તાના અભાવ બાબતે ગ્રામજનોએ નાંદોદ TDO ને ફરિયાદ કરતા ચકચાર મચ્યો છે.નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં 14 મુ નાણાંપંચ, ગુજરાત પેટર્ન યોજના તેમજ અન્ય યોજનાના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોએ ત્યાંના તાલુકા સભ્ય અને નાંદોદ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ રોહિતને કરી હતી.બાદ મુકેશ રોહિતે આ મામલે નાંદોદ ટી.ડી.ઓ ને લેખિત રજુઆત કરી તપાસની માંગ કરી હતી.
જીયોરપાટી ગ્રામજનોની ફરિયાદ મુજબ ગામમાં બનેલ રસ્તામાં સ્ટીલ અને માટી મેટલનો ઉપયોગ કરાયો નથી, સાથે સાથે ત્યાં બનેલા નાળામાં પણ સ્ટીલનો ઉપયોગ ન કરાયો હોવાથી બન્યા બાદ એમા તિરાડો પડી છે.આ તમામ કામો માં સરપંચે સરકારી નણામાં ભ્રષ્ટાચાર કર્યો છે તેવા આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે,ગ્રામજનો ના જણાવ્યા મુજબ અમે ગુણવત્તા વાળુ કામ કરવા સરપંચ ને કહ્યું તો સરપંચે અમને એમ કહ્યું કે મારી અધિકારીઓ અને મોટા માથાઓ સાથે ઓળખાણ છે મારા બિલ પાસ થઈ જશે.ગ્રામજનોએ નાંદોદ TDO ને ચીમકી આપી છે કે જો આ કામોની યોગ્ય તપાસ નહિ થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું.
નાંદોદ તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ મુકેશ રોહિતને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ.?
નાંદોદ તાલુકા TDO મગનભાઈ પટેલે આ ફરિયાદ બાદ જીયોરપાટી ગામે અધિકારીને તપાસ માટે મોકલ્યા હતા. ત્યાં નાંદોદ તાલુકા ન્યાય સમિતિના અધ્યક્ષની હાજરીમાં અધિકારીઓ કામની ગુણવત્તાની તપાસ કરી રહ્યા હતા, દરમિયાન જીયોરપાટીના સરપંચે મુકેશ રોહિતને જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મુકેશ રોહિતે લેખિત ફરિયાદ નાંદોદ TDO ને કરી છે.
મને ફરિયાદ મળી છે મેં તપાસના આદેશ આપ્યા છે: TDO
નાંદોદ TDO મગનભાઈ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે જીયોરપાટી ગામે વિકાસ કામોમાં ગુણવત્તા જળવાઈ ન હોવાની તથા મુકેશ રોહિતને ધમકી અપાઈ હોવાની મને લેખિત ફરિયાદ મળી છે.એ મામલે તપાસ ચાલી રહી છે. જ્યારે જીયોરપાટી સરપંચ ગોવિંદ તડવીએ જણાવ્યું હતું કે મેં કોઈને ધમકી આપી નથી, અને વિકાસના કામોમાં સારી ગુણવત્તાનો ખ્યાલ રખાયો છે.ત્યારે સવાલ એ ઉભો થાય છે કે સાચું કોણ..? તટસ્થ તપાસ થાય તો સત્ય બહાર આવશે એમ લાગી રહ્યું છે.

(10:28 pm IST)