Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ભચાઉના શિવલખા નજીક પાણી ભરેલું ટેન્કર લઈ જતું ટ્રેક્ટર પલટ્યું: દબાઈ જવાથી 3 યુવકના મોત

બેકબોન સોલાર નામની કંપનીના પ્લાન્ટમાં કામ કરતાં 8 શ્રમિક યુવકો મધરાત્રે જતા હતા ત્યારે અકસ્માત

ભચાઉના શિવલખા ગામ નજીક પાણી ભરેલાં ટેન્કરને લઈ જતું ટ્રેક્ટર પલટી જતાં ચાલક સહિત તેમાં સવાર 3 યુવકના દબાઈ જવાથી મોત નીપજ્યાં છે.

ભચાઉના શિવલખા નજીક બેકબોન સોલાર નામની કંપનીના પ્લાન્ટમાં કામ કરતાં 8 શ્રમિક યુવકો મધરાત્રે પોણા બેના અરસામાં પાણી ભરેલાં ટેન્કરને ટ્રેક્ટર સાથે જોડી તેમાં સવાર થઈ તેમના રહેણાંકમાં સૂવા જતા હતા. ત્યારે, પ્લાન્ટ નજીક વળાંકમાં પૂરઝડપે ટ્રેક્ટરને વળાવવા જતા ટ્રેક્ટર અને ટેન્કર પલટી ગયા હતા. દુર્ઘટનામાં ટ્રેક્ટર અને ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઈવર રાહુલ રવિશંકર નિષાદ (ઉ.વ.20, મૂળ વતની- લખીમપુર ખેરી, યુપી), બબલુકુમાર ફાગુરામ કુમાર (ઉ.વ.19, મૂળ વતની- પીલીભીત, યુપી) અને વૈજનાથ રામધાર નિષાદ (ઉ.વ.19, મૂળ વતની- લખીમપુર ખેરી, યુપી)ના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. જ્યારે, અન્ય ત્રણ યુવકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ટ્રેક્ટરમાં સવાર લક્ષ્મીનારાયણ નિષાદ સહિત બે યુવકો કૂદકો મારીને નીચે ઉતરી જતાં બેઉનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટના બાદ બચી ગયેલાં શ્રમિકોએ સુપરવાઈઝરને જાણ કરતાં તે સ્થળ પર દોડી આવ્યો હતો અને જેસીબી વડે ટ્રેક્ટર તેમજ ટેન્કરને ઊંચા કરાવી દબાઈ ગયેલાં યુવકોના મૃતદેહને બહાર કઢાવ્યાં હતા. દુર્ઘટના અંગે લક્ષ્મીનારાયણ નિષાદે લાકડીયા પોલીસ મથકે ટ્રેક્ટરના હતભાગી ચાલક રાહુલ નિષાદ સામે લાકડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દુર્ઘટનામાં લક્ષ્મીનારાયણની નજર સામે તેના નાના ભાઈ વૈજનાથનું મૃત્યુ નીપજ્યું હતું

(10:02 pm IST)