Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

બારડોલીના બ્રેઈનડેડ કામિનીબેન પટેલના પરિવાર દ્વારા અંગ દાન કરીને 7 લોકોને નવજીવન આપ્યું

સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 100 મિનીટમાં, હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર 160 મિનિટમાં કાપી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાયા

સુરત :સુરતમાંથી બત્રીસમા હ્રદય અને ફેફસાના દાનની સાતમી ઘટના નોંધાઈ છે. કોરોના મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાંથી હૃદય અને ફેફસાંના દાનની સૌપ્રથમ ઘટના બની છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ટીંબરવા (સાંકળી) ગામના ૪૬ વર્ષીય બ્રેઈનડેડ થયેલાં કામિનીબેન પટેલના પરિવારે તેમના હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.

દુ:ખભરી સ્થિતિમાં પટેલ પરિવારે પ્રેરણારૂપ નિર્ણય કરતાં અંગદાન દ્વારા અન્ય લોકોની જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કર્યો છે. સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 100 મિનીટમાં, હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર 160 મિનિટમાં કાપી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.

ટીંબરવા ગામના ટેકરા ફળિયામાં રહેતાં અને ખેતી વ્યવસાય કરતાં ભરતભાઈ વનમાળીભાઈ પટેલની પત્ની કામિનીબેન તા.17 મે ના રોજ વહેલી સવારે પથારીમાંથી ઉભા થવા ગયાં, પ્રયત્ન કરવાં છતાં ઉભા થવાયું ન હતું. પરિવારે તાત્કાલિક ડોક્ટરને બોલાવ્યા, જેમણે તપાસ કરતાં બ્લડ પ્રેશર ખુબ વધી ગયું હોવાથી હોસ્પિટલ લઈ જવા જણાવ્યું. જેથી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

વધુ સારવાર માટે તેમને સુરતની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાયા. ન્યુરોફિજીશિયન ડો.દિવ્યાંગ શાહે સારવાર શરૂ કરી. ન્યુરોસર્જન ડૉ.મિલન સેંજલીયાએ ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. પરંતુ રિકવરી ન આવતાં શનિવાર તા.5 જુનના રોજ ન્યુરોફિજીશીયને કામિનીબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા.

ડૉ.આરૂલ શુક્લાએ ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનની રાજ્ય સલાહકાર સમિતિના સભ્ય અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલિફોનીક સંપર્ક કરી કામિનીબેનના બ્રેઇનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કામીનીબેનના પતિ ભરતભાઈ, પુત્ર અનિકેત, ભાઈ સંજયભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ અમદાવાદની ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની, લિવર, હૃદય અને ફેફસાના દાન માટે જણાવ્યું.ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી નહિ હોવાના કારણે SOTTO દ્વારા ROTTO-મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો.

સ્વ.કામિનીબેનના પતિ ભરતભાઈ કે જેઓ અમેરિકાના ટાઈની સ્માઈલીંગ ફેસીસ ગ્રુપ તથા જુદી-જુદી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તેમણે કોરોના મહામારી દરમિયાન બારડોલી પંથકમાં આઈસોલેશન વોર્ડના દર્દીઓ તેમજ સ્ટાફ માટે જમવાની સુવિધા, દવાઓ તેમજ મેડિકલના વિવિધ સાધનોના વિતરણની વ્યવસ્થામાં યોગદાન આપ્યું છે.

તેમણે જણાવ્યું કે, મારી પત્ની બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, ત્યારે તેમના અંગોના દાન થકી કોઈના મુરઝાયેલા મુખ પર સ્મિત આવી શકતું હોય તો સહર્ષ આગળ વધવા મારી સંમતિ છે

ROTTO-મુંબઈ દ્વારા મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને હૃદય ફાળવવામાં આવ્યું. ફેફસા હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા. જયારે SOTTO દ્વારા એક કિડની અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલ તેમજ એક કિડની અને લિવર અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર(IKDRC) ને ફાળવવામાં આવ્યા.

(9:42 pm IST)