Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ભાજપ કોર્પોરેટર દ્વારા દંપત્તિને માર મારવાની ઘટનાથી વિવાદ

ભાજપના કોર્પોરેટરની દાદાગીરીથી હોબાળો : ભાજપ ધારાસભ્યોની માફક હવે કોર્પોરેટરો પણ સત્તાના નશામાં છાકટા બન્યા હોવાના કિસ્સાઓથી ભારે ચકચાર

અમદાવાદ,તા.૮ : નરોડામાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા એક મહિલાને જાહેરમાં પેટમાં લાતો અને માર મારવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં અસલાલીમાં ભાજપના એક કોર્પોરેટર દ્વારા સ્થાનિક દંપત્તિને હેરાન-પરેશાન કરવાનો અને માર મારવાનો નવો વિવાદ પ્રકાશમાં આવ્યો છે, જેને લઇને હવે ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યો પર સત્તાના નશામાં છાકટા બન્યા હોવાના અને સત્તાનો દૂરપયોગ કરી રહ્યા હોવાના ગંભીર આરોપ લાગી રહ્યા છે. અમદાવાદના અસલાલી પાસે આવેલા બારેજામાં પાર્કિંગ બાબતે હિતેશ રબારી સ્થાનિક દંપત્તિ સહિતના રહીશોને પરેશાન કરતો હોવાને લઇને અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ છે, જેના આધારે હવે પોલીસે આ કેસમાં જરૂરી તપાસ હાથ ધરી છે. કોર્પોરેટરનુ કામ લોકોના પ્રશ્નો દુર કરવાનુ અને આમ જનતાની સેવા કરવાનુ છે પરંતુ જ્યારે કોર્પોરેટર જ દાદાગીરી કરીને સત્તાના નશામાં છાકટા બને તો પ્રજા કોની શરણે જાય તેવા સવાલો હવે આમ જનતામાં ઉઠી રહ્યા છે. કંઇક આવી જ દાદાગીરી અસલાલીના બારેજાના કાઉન્સીલરની સામે આવી છે. બારેજામાં આવેલા પ્રિત બંગલોમાં રહેતા રહીશોને ખુદ કાઉન્સીલર જ છેલ્લા સાત વર્ષથી પરેશાન કરતો અને માર મારતો હોવાનુ સામે આવ્યુ છે. સોસાયટીના સેક્રેટરી નિતીન પટેલ અને તેમના પત્નીએ અસલાલી પોલીસ સ્ટેશનમાં હિતેષ રબારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઇ સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે, હિતેશ સોસાયટીમાં વસવાટ ન કરતો હોવા છતા પણ ૨૩ નંબરના બંગલોમાં રહેતા દર્શનાબેનના કહેવાથી કોમન પ્લોટને પાર્કિંગમાં તબદીલ કરવા ધાકધમકી આપી રહ્યો છે. તેમજ ભાજપનો કાઉન્સિલર હોવાને કારણે એફઆઇઆરમાં અમારા મુજબની ફરિયાદ નોંધાવવામાં આવી નથી. બીજી તરફ હિતેશ રબારીએ પણ સેક્રેટરી નીતીન પટેલ સામે એફઆઇઆર કરી છે. ત્યારે પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવને લઇ વિસ્તારમાં પણ ભારે ચકચાર મચી ગઇ છે.

(9:07 pm IST)