Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સુરતમાં હવે ઘરમાં શાકભાજી, ઉગાડવા માટેનાં પ્રોજેકટનો પ્રારંભ

સુરત : વર્ષો પહેલા વિદેશી ખાતર અને જંતુ નાશક દવા વગર આપણા દેશમાં ખેતી થતી હતી તે સમયે અન્ય દેશોથી અનાજની આયાત કરવી પડતી હતી તેથી આપણાં દેશમાં ખેત ઉત્પાદન વધે તે ખૂબ જરૂરી હતું. ખેત ઉત્પાદન વધારવા માટે વિદેશી ખાતર અને જંતુનાશક દવાઓનો સહારો લેવામાં આવ્યો છે. જેને કારણે જમીન સાથે જોડાયેલા રહેતા અળસીયાનો નાશ થયો અને જમીન વિદેશી ખાતર અને દવાઓની વ્યસની બની છે. સાથે જ પાકની ગુણવતા બગડી રહી છે, ત્યારે ફેમીલી ફાર્મર અભિયાન સુરતમાં શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોને ઓર્ગેનિક શાકભાજી અને સફળ ફ્રુટ ઘરે બેઠા પહોંચાડવામાં આવશે.

વિદેશી ખાતર અને જંતુ નાશક દવાઓને વધુ પડતો ઉપયોગ કરવાના કારણે ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું છે. સાથે જ બિયારણો, પાણી અને પર્યાવરણ વગેરે પ્રદુષિત થયા છે. પાકમાં રોગ જીવાંતનું પ્રમાણ વધ્યું છે જેને પરિણામે મનુષ્ય, પ્રાણીઓના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થઇ મનુષ્યમાં રોગનું પ્રમાણ વધ્યું અને રોગ પ્રતિકારક શકિત ઘટી, ત્યારે લોકોને દેશી અને ઓર્ગેનિક ખેતી વડે ઉત્પાદન કરવામાં આવતા શાકભાજી અને ફળ-ફ્રુટ ખાવા મળી શકે તેવું ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ ફેમીલી ફાર્મર અભિયાન એટલે જેમ આપણે ફેમીલી ડોકટર હોય છે તેવી જ રીતે આપણે ફેમિલી ફાર્મર પણ નકકી કરવા પડશે. આ અભિયાનમાં એક ફેમીલી ફાર્મર નામની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે જે વેબસાઇટ ઉપર ગુજરાતમાં ગાય આધારિત ખેતી કરતાં ખેડૂતોની યાદી જોવા મળશે અને આપે તે વેબસાઇટ પરથી આપને જે ફાર્મર અનુકુળ હોય તેની પસંદગી કરી તેની સાથે એગ્રીમેન્ટ કરી શકશો.

વિલાયતી ખાતર અને દવા દ્વારા જે ખેત ઉત્પાદન થતું તેટલું અને અમુક પાકોમાં તેથી પણ વધુ ખેત ઉત્પાદન મળવા લાગ્યું આ પધ્ધતિથી ખેતી કરતાં અનેક ખેડૂતોની અમોએ મુલાકાત લીધી તેઓની ખેતી કરવાની પધ્ધતિ સમજયા છે. આજે હજારો ખેડૂતો પ્રકૃતિક ખેતી કરી રહ્યા છે અને પરિણામો પણ સારા મેળવી રહ્યા છે. ગાય આધારિત પ્રકૃતિક પધ્ધતિથી બહુમુખી ફાયદાઓ છે. ખેડૂતોને ખેત ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદનની આવક વધે છે લોકોને રસાયણ મુકત ખોરાક પ્રાપ્ત થાય છે.

છેલ્લા ત્રણ વર્ષથી ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા ખેડૂત હરેશ ગાજીપરાનું કહેવું છે કે, પોતે શ્રીમંત પરિવારમાંથી આવે છે, અને ઉચ્ચ ગુણવતાવળી વસ્તુઓ જ આરોગતા હતાં પરંતુ તેમાં છતાં પરિવારના સભ્યોને અનેક બીમારી થઇ હતી, જેથી બિમારીના મુળમાં જતાએ વાત સામે આવી કે કેમિકલવાળા શાકભાજી ખાવાના કારણે બીમારી થઇ રહી છે. જેથી તેમને ઓર્ગેનિક અને દેશી પધ્ધતિથી શાકભાજી ઉત્પાદન કરવાનું શરૂ કર્યુ. જેના ફાયદો દેખાતા પહેલા પોતાના પરિવારને ઓર્ગેનિક શાકભાજી ખવડાવ્યા બાદ લોકોને પણ ઓર્ગેનિક શાકભાજી અને ફળ-ફ્રુટ ખવડાવવા માટે કમર કસી છે.

ઓર્ગેનિક ખેતી માટે ગાયનો મહત્તમ ઉપયોગ થયા છે, ગાય આધારિત ખેતી હોવાથી ગાયની પણ સેવા થાય છે ઓછા પાણી દ્વારા ઉત્પાદન થાય છે. આ પધ્ધતિમાં જીવામૃત આપવાથી મોટા પ્રમાણમાં અળસિયા પેદા થાય છે અને તે અળસિયા ખેતરની જમીન પોચી હોય ત્યાં સુધી એટલે કે ૧પ-૧પ ફુટ સુધી જમીનમાં છીંદ્રો પાડે છે અને બીજા છીદ્રો દ્વારા બહાર આવે છે. આ અળસિયા જમીનને ઉપજાવ બનાવવા માટે તો કામ કરે જ છે પરંતુ ૬ ઇંચ વરસાદ પડે તો પણ સંખ્યાબંધ ખેતરોમાં છીદ્રો હોવાથી વરસાદનું બધુ જ પાણી જમીનમાં ઉતારી  જાય છે તેથી આ પધ્ધતિમાં  જલસંચયનું પણ બહુ મોટું કામ થાય છે.

આ પધ્ધતીથી ખેતી કરતાં ખેડૂતોને પાકમાં કોઇપણ પ્રકારનો રોગ લાગે તો નિમાસ્ત્ર નામની દવા બનાવેલ છે આ દવા કોઇ પાસેથી ખરીદવી નથી પડતી પરંતુ ખેડૂત પોતે લીમડાના પાન, સીતાફળના પાન જેવા વગેરે ૧૦ પ્રકારના પાન અને ગૌમુત્ર માંથી બનાવે છે. અને પાકને રોગમાંથી મુકિત અપાવે છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી હજારો ખેડૂતો વિદેશી ખાતર અને દવા વગર ખૂબ સારૂ ઉત્પાદન મેળવતા થયા છે. ચંદુ સુરાણીનું કહેવું છે કે, વર્ષોથી આપણા સૌના મગજમાં એક વાત હતી કે, વિલાયતી ખાતર અને જંતુનાશક દવા વગર કોઇપણ પ્રકારનું ઉત્પાદન થઇ શકે નહીં.

(6:05 pm IST)